પટણા,તા. ૨૮
બિહારમાં પુરની સ્થિતીમાં હજુ પણ ઉલ્લેખનીય સુધારો થયો નથી. મોતનો આંકડો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત વધી રહ્યો છે. હવે મોતનો આંકડો વધીને ૪૯૦ સુધી પહોચી ગયો છે. બિહારમાં પુરના કારણે હજુ સુધી ૧૯ જિલ્લાના ૧.૭૧ કરોડ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી કરી દેવામાં આવી છે. પુરના કારણે નુકસાન બાદ હવે સહાયની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી ઓગષ્ટના દિવસે હવાઇ નિરિક્ષણ કર્યા બાદ ૫૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. મોદીએ એવી ખાતરી પણ આપી હતી કે, રસાહત અને બચાવ કામગીરી માટે અન્ય સંબંધિત તમામ મદદ પુરી પાડવામાં આવશે. નુકસાનના મૂલ્યાંકન માટે કેન્દ્રીય અધિકારીઓની ટીમ મોકલવામાં આવશે. મોદી ખાસ વિમાનથી પૂરણિયાના ચુનાપુર વિમાની મથકે પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ સ્વાગત કર્યું હતું. ત્યાંથી મોદી સીધીરીતે હવાઈ સર્વેક્ષણ માટે પહોંચ્યા હતા. તેમની સાથે નીતિશકુમાર અને સુશીલ મોદી ઉપરાંત અધિકારીઓ રહ્યા હતા. મોદીએ સીમાંચલ ક્ષેત્રના જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અત્રે નોંધનીય છે કે, બિહારમાં પુરની સ્થિતી ચિંતાજજનક બનેલી છે. છેલ્લા ૪૮ કલાકમાં વધુ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને હવે ૪૯૦ ઉપર પહોંચી ગયો છે. પુરના કારણે ૧૯ જિલ્લામાં આશરે ૧.૭૧ કરોડ લોકોને માઠી અસર થઇ છે. કેટલીક જગ્યાએ પુરના પાણીની સપાટી ઘટી છે જેથી લોકો તેમના આવાસ પર પરત ફરી રહ્યા છે. જો કે આ તમામ જગ્યાએ હવે રોગચાળોનો ખતરો તોળાઇ રહ્યો છે. બિહારમાં સ્થિતીને ધ્યાનમાં લઇને હવે રાહત કેમ્પની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા કેમ્પની સંખ્યા ૬૨૪ હતી. જે હવે ઘટાડીને ૩૬૮ કરી દેવામાં આવી છે. આમાં ૧.૫૯ લોકો રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. કુલ ૧૪૦૩ સામુહિક રસોડા ચાલી રહ્યા છે જેમાં ૩.૫૪ લાખ લોકોને ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે.