ઉના, તા.ર
પાંચ દિવસ બાદ ઉનાના નવાબંદર દરીયાઇ સીમામાં જળસમાધી લીધેલ બોટના લાપતા બનેલા ચાર ખલાસી પૈકી ૩ ખલાસીના મૃતદેહ એક સાથે બંદર કાંઠે પહોંચતા સમગ્ર માછીમાર સમાજ અને મૃતકના સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ મૃતદેહને ઉનાની સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લવાતા માછીમાર સમાજના સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા.
ગત તા.૨૮ના રોજ નવાબંદરના બચીબેન ભગાભાઈની બોટ નંબર જીજે ૧૧ એમએમ ૫૮૦૩ અંબીકા પ્રસાદ દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે પરત કાંઠે આવતી હોય એ દરમ્યાન ૨૦ નોટીકલ માઇલ દૂર અકસ્માતે બોટે જળસમાધી લેતા સુનિલ ભીમા બાંભણીયા, કાંતીભાઇ જીવાભાઇ બાંભણીયા, સામતભાઇ જીવાભાઇ મજીઠીયા, તેમજ ભાવેશભાઇ ભીમાભાઇ બાંભણીયા લાપતા થયેલ છેલ્લા પાંચ દિવસથી પચાસથી વધુ બોટો શોધ કરતી હોય આજે વહેલી સવારે જે વિસ્તારમાં બોટે જળસમાધી લીધેલ તેનાથી ૩ કિમી દૂર નવાબંદરની ધનશ્યામ અને ખોડિયાર નામની ફિસીંગ બોટ શોધખોળ કરવા પસાર થતાં તેને સૌ પ્રથમ ભાવેશ ભીમાભાઇ બાંભણીયા રહે. નવાબંદર, સામત જીવાભાઇ મજેઠિયા રહે. કાળાપણ તેમજ કાંતીભાઇ જીવાભાઇ બાંભણીયા રહે. નવાબંદર સુનિલ ભીમા બાંભણીયા (રહે. નવાબંદર)નો મૃતદેહ પાણીમાં તરતા જોવા મળતા બોટના ખલાસીઓએ આ મૃતદેહ તાત્કાલીક પોતાની બોટમાં લઇ અને વાયરલેસ મેસેજ દ્વારા નવાબંદર બોટ એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ બાંભણિયા તેમજ સરપંચ સોમવારભાઇ મજેઠીયાને જાણ કરાતા મોટી સંખ્યામાં માછીમાર સમાજ તેમજ મૃતકના પરીવારજનો કાંઠા પર પહોંચી ગયા હતા અને લાશને જોતા જ તમામ હાજર રહેલા લોકોની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગેલ હતી. આ મૃતદેહોને કાંઠેથી રિક્ષા મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં લાવતા ત્યાં ગીરસોમનાથ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હરિભાઇ સોલંકી તેમજ તાલુકા વિકાસ અધિકારી લીંબાણી તેમજ વિસરણ સહિતના અધિકારીઓ દોડી આવેલ હતા અને તાત્કાલિક પીએમ કર્યા બાદ લાશનો કબ્જો મૃતકના પરિવારને સોંપવામાં આવેલ હતો. આ મૃતકોના અંતીમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા.
ત્રણ ગામમાં શોક છવાયો
દરિયામાં ગરક થયેલા ચાર પૈકી ૩ માછીમારો અલગ-અલગ ગામના હોય જેમાં કાણાપણ, નવાબંદર, નાંદણ ગામનો સમાવેશ થતો હોય આ ત્રણેય ગામમાં માછીમારના મૃતદેહ પહોંચતા તેમના પરિવારોમાં હૈયાફાટ રૂદન જોવા મળતા હતા. જેમાં કાણાપણ ગામના માછીમાર સામત જીવા મજેઠીયા પરણીત હોય તેને બે દિકરી અને બે દિકરા નાની વયના હોય પિતાનો છાયો ઉઠી જતાં આ પરિવાર હચમચી ઉઠેલ હતું. જ્યારે ભાવેશ ભીમા અપરણીત હોય માતા-પિતા ગરીબ અને શ્રમિક વર્ગના હોવાથી તેનો સહારો છીનવાય ગયો છે.
પાંચ દિવસથી મૃતકના સ્વજનોએ કાંઠા પર બેસી દિવસો પસાર કર્યા
દરિયામાં પાંચ દિવસ પહેલા બોટ ડુબ્યાના સમાચાર આવતા ચાર ખલાસીના પરીવારજનો અને સગા વ્હાલાઓ નવાબંદર ગામે પાંચ દિવસથી પોતાના ગુમ થયેલા આ માછીમાર પરત આવવાની રાહમાં રાત દિવસ કાંઠા પર બોટના માલિકો પાસે જીવીત માછીમારો પરત આવે તેવી આશા સાથે બેસી રહ્યા હતા.