ભરૂચ, તા.૨૨
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના નીલકંઠેશ્વર ઘાટ પરથી વલસાડ જીલ્લાના અબ્રામાની સુંદરવન સોસાયટીના રહેવાસી ભાઇ અને બહેનના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંનેના મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અમે લોકો રાજીખુશીથી અમારૂ જીવન ટુંકાવીએ છીએ. એમા કોઇનો વાંક નથી અને નીચે ત્રણ લોકોની સહી છે. જેથી પોલીસે ભાઇ-બહેનની માતાની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના ધરમપુર રોડ પર આવેલા અબ્રામાની સુંદરવન સોસાયટીમાં રહેતી મહિલા રંજન દોલતરાય સાગરની પુત્રી મૌશમી(૪૧) અને પુત્ર રામકુમારે(૨૫) ભરૂચ સ્થિચ નર્મદા નદીના નિલકાંઠેશ્વર ઘાટ પર આવીને આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે સ્થાનિક ફાયરબ્રિગેડના જવાનોની મદદથી શોધખોળ અને તપાસ કરાવતાં સવારે મંદિરે અને નર્મદા નદીના દર્શનાર્થે આવતા લોકો મારફતે ભાઇ-બહેનના મૃતદેહ ઘાટ પાસે જોયા હતા. જેથી ભરૂચ સી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો અને તેમના વાલી વારસની શોધખોળ આદરી છે.
પોલીસને તેમના પાકિટમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ત્રણ લોકોના નામ અને સહી હતી. જેથી બંને ભાઇ-બહેનની માતા રંજન દોલતરાય સાગરની શોધખોળ કરી રહી છે કે માતાએ પણ આ ભાઇ-બહેન સાથે આત્મહત્યા કરી હોઇ શકે. જો કે, હજુ સુધી પોલીસને માતાની કોઇ ભાળ હાથ લાગી નથી. પોલીસે કયા કારણસર આ પરિવારના સભ્યોએ આત્મહત્યા કરવાનું પગલું લીધુ તે મુદ્દે પણ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનામાં શું રહસ્ય બહાર આવશે ?