કોડીનાર,તા.૧૧
કોડીનાર તાલુકાના કોટડા ગામનાં એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયાના ત્રણ માસ થવા છતાં પાકિસ્તાન સતાવાળા દ્વારા ભારત સરકારને કોઈ પણ પ્રકારની જાણ ન કરતા અને આ માછીમારનું મૃત્યુ થયાનું તેની સાથે જેલમાં રહેલા અન્ય એક કેદી માછીમારે જે મૃતકના નજીકનો સગો હોઈ તેણે એક પત્ર કોડીનારના કોટડા ગામે લખી મોકલતા મૃતકના પુત્રએ કોડીનારની સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘના પ્રમુખ બાલુભાઈ સોચાની મદદ લઈ તેમના પિતાનો મૃતદેહ કોડીનાર લાવવા માટે રજૂઆતો કરી છે.
વિગત એવી છે કે કોડીનારના કોટડા બંદર ગામના દેવાભાઈ રામભાઈ બારૈયા (ઉ.વ.પ૮) પોરબંદરના માવજી કાનજી જુંગીની બોટ “દેવશિવ” નામની જેના નં INDG325 MM 3G83 માં ક્રોસીંગ કરવા ગયેલા જેને ગત તા.ર/ર/૧૮ ના રોજ પાકિસ્તાન મરીન એજન્સી આ બોટ પકડી હતી. જેમાં દેવાભાઈ સાથે તેનો જમાઈ પ્રવિણભાઈ પણ હતા. દરમ્યાન ગત તા.૪/૩/૧૮ના રોજ દેવાભાઈને એટેક આવતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
દેવાભાઈનું મૃત્યુ થવા અંગે પાકિ. સતાવાળા માનવતા ચૂક્યા અને તેણે ભારત સરકારને દેવાભાઈના મૃત્યુ અંગે જાણ કરવી જોઈએ તે કરી ન હતી. એ દરમ્યાન પાકિસ્તાનની જેલમાં રહેલા પ્રવિણભાઈએ કોટડા બંદરે તેમના સંબંધી દેવજી રાજા ચાવડાને પત્ર લખ્યો હતો. જેમાં દેવાભાઈ બારૈયાને એટેક આવી જતા તેનું મૃત્યુ થવા અંગે જાણ કરી હતી. જેથી દેવાભાઈના પુત્ર રમેશભાઈને તેના મૃત્યુના સમાચાર આપતા તેનો પરિવાર હત પ્રત બની ગયો હતો. પિતાના મૃત્યુના ત્રણ-ત્રણ માસ વિતિ જવા છતા તેના મૃત્યુના કે તેના મૃતદેહ ભારત લાવવા અંગે કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા થયેલ ન હોઈ રમેશભાઈ બારૈયા એ કોડીનારની સમુદ્ર શ્રમિક સુરક્ષાબંધના બાબુભાઈ સોચાને મળી મદદ માગતા તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં વિસ્તૃત પત્ર લખી મૃત્યુ પામનાર માછીમારના મૃતદેહને તેમના વતન લાવવા માંગણી કરી હતી.