અમદાવાદ, તા.૨૨
આગામી ૧ ઓકટોબરથી દરેક મરણ નોંધ અગાઉ આધાર નંબર દર્શાવવો ફરજિયાત બનાવવામા આવ્યો છે.આ પ્રથા લાગુ થવાથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે આ સાથે જ બોગસ સર્ટિફિકેટના મામલાઓ ઉપર પણ અંકુશ આવી શકશે.આ અંગે મળતી માહિતી અનુસાર,ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામા આવેલા જાહેરનામા અનુસાર,એક ઓકટોબરથી દેશભરમા બર્થ એન્ડ ડેથ એકટ-૧૯૬૯ની જોગવાઈઓ હેઠળ મરણની નોંધણી માટે આધાર નંબર દર્શાવવો ફરજિયાત બનાવવામા આવ્યો છે.જેને લઈને મરનાર વ્યકિતની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે.મરનાર વ્યકિતનુ મરણ સર્ટિફિકેટ મેળવવા અરજી કરનારા અરજદારે મૃતકનો આધાર નંબર દર્શાવવો ફરજિયાત રહેશે.આધાર નંબર કે એનરોલ આઈડી નંબર ન હોય એવા કિસ્સાઓમા એકરારનામુ રજુ કરવુ પડશે.જો ખોટુ એકરારનામુ રજુ કરવામા આવશે તો એ ગુનો ગણવામા આવશે.અરજદારનો આધાર નંબર પતિ-પત્ની કે માતા પિતાના આધાર નંબર સાથે મેચ કરવામા આવશે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીને પુછતા તેમણે પણ અમદાવાદ શહેરમાં ૧ ઓકટોબરથી આધાર નોંધણી મરણ સર્ટી માટે ફરજિયાત બનશે એમ કહ્યુ છે.