(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
આહવા-સાપુતારા નજીક અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા ગુરૂકૃપા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી લકઝરી બસ ઊંડી ખીણમાં પડી જતા ૧૦ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. જો કે, સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થીનીનું કરૂણ મોત નિપજતા મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો હોવાનુું ડી.વાય.એસ.પી. જગદીશ વસાવાએ જણાવ્યું હતું. જે કે, આ દુર્ઘટના ૨૨મી ડિસેમ્બરના રોજ બની હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી-છાપરાભાઠા રોડ પર ગુરૂકૃપા ટ્યુશન કલાસના સંચાલિકા નીતાબેન બિપિનચંદ્ર પટેલે ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓને આહવા-સાપુતારા ખાતે લક્ઝરી બસ મારફતે લઈ ગયા હતા. જ્યાં માલગામ ધ્રુલડા નજીક બસ ઊંડી ખીણમાં ખાબકતા એક મહિલા સહિત ૧૦ વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવ દરમિયાન અમરોલી ખાતે રહેતી અને ૧૦ વર્ષની વિદ્યાર્થીની શ્રેયા ભરતભાઈ કલ્થરિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અમરોલી જીવન જ્યોત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ મોત નિપજતા મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો હતો.