નવી દિલ્હી,તા.૨૫
ભારતના દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોની ૧૫ દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરશે. તેઓ ૩૧ જુલાઈથી ૧૫ ઓગસ્ટ સુધી અહીં સૈનિકોની સાથે રહેશે. આ દરમિયાન તેઓ ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે ૧૫ દિવસ પસાર કરશે.
આ યુનિટ કાશ્મીરમાં તૈનાત છે અને વિક્ટર ફોર્સનો ભાગ છે. ધોની આ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરશે. ૩૮ વર્ષીય ધોનીએ બીસીસીઆઈને પહેલા જ જણાવી દીધુ હતુ કે તેઓ બે મહિના સુધી કોઈ પણ ક્રિકેટ રમશે નહીં.
ધોનીએ કહ્યુ હતુ કે તેઓ સૈનિકો સાથે સમય પસાર કરશે. ધોની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પૂર્વ ભારતીય કેપ્ટનને ૨૦૧૧માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક સોંપાઈ હતી. ત્યારથી માત્ર એક વાર તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આઈપીએલમાં તેમનું લાંબુ સત્ર રહ્યુ અને ફરી ઈજા થઈ હોવા છતાં તે વર્લ્ડ કપમાં રમ્યા હતા. તેથી હવે તેમને એ અનુભવ થયો છે કે બ્રેક લેવો તેમના માટે જરૂરી છે. જે બાદ તેમણે સૈનિકોની સાથે રહેવાનો નિર્ણય કર્યો. ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજીમેન્ટમાં લેફ્ટિનન્ટ કર્નલ છે.