લંડન, તા.૩
વિશ્વ કપમાં એમએસ ધોનીની ધીમી ઈનિંગની સતત ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્ચ આલોચના કરી રહ્યા છે. આ વચ્ચે એક સમાચારપત્રક અનુસાર વિશ્વકપ બાદ પૂર્વ કેપ્ટન ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. બીસીસીઆઈના એક અધિકારીએ દાવો કર્યો કે એમએસ ધોની વિશ્વકપમાં પોતાની અંતિમ મેચ રમશે અને ત્યારબાદ સંન્યાસની જાહેરાત કરશે.
મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સતત ધોની આલોચકોના નિશાના પર છે. ખાસ કરીને વિશ્વકપમાં ધોનીની ધીમી ઈનિંગ ઘણીવાર ટીમ ઈન્ડિયા માટે ભારે પડી રહી છે. ધીમી ઈનિંગની સાથે છેલ્લા એક વર્ષથી ધોનીની શાનદાર ફિનિશરની છબી પણ ધોવાવા લાગી છે. વિશ્વ કપમાં પસંદગી થયા પહેલા જ એવી અટકળો લાગી રહી હતી કે ધોની ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ બાદ નિવૃત્ત થઈ જશે.
અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમેલી ૫૨ બોલમાં ૨૮ રનની ઈનિંગની ખૂબ આલોચના થઈ હતી. તેની આ ઈનિંગથી ન માત્ર ફેન્સ પરંતુ સચિન તેંડુલકર પણ ઘણા નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અંતિમ ઓવરોમાં મોટા શોટ્‌સ ન લગાવવાને કારણે ધોનીની ટીકા થઈ હતી. વિશ્વ કપમાં સતત સ્પિનરોની સાથે ધોની સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ પણ મેચમાં ધોની પોતાના સહજ અંદાજમાં જોવા ન મળ્યો.