દાણીલીમડામાં આવેલી એમ.એસ. પબ્લિક સ્કૂલની તસવીર
અમદાવાદ, તા.૨૭
બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગંભીર ગેરરીતિઓ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર જોરદાર માછલા ધોવાયા બાદ આજે ગૌણ સેવા પસંદગી મંડળનો વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં બિનસચિવાલયની પરીક્ષાનું પેપર જયાંથી લીક થયુ હતું, તે સ્કૂલને જ પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવાયું હતું. જે સ્કૂલનો આ પેપરલીક કૌભાંડમાં ડીઇઓ દ્વારા લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે અને જયાંથી સમગ્ર કૌભાંડનું ઉદ્ભવસ્થાન સામે આવ્યું હતું તે સ્કૂલને જ અધિક્ષક, કાર્યાલય અધિક્ષકની પરીક્ષા માટે સેન્ટર ફાળવી દેવાયું હતું. જેને પગલે આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
આ મામલે સમગ્ર વિવાદ વકરતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એમએસ પબ્લીક સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર તાબડતોબ રદ કરી આખરે ભૂલ સુધારી લેવાઇ હતી. બિન સચિવાલય પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલી દાણીલીમડાની સ્કૂલને જ અધિક્ષક, કાર્યાલય અધિક્ષકની પરીક્ષા માટે સેન્ટર ફાળવી દેવાયું હતું. ગૌણ સેવા પસંદગી મંડળે તા.૨૯ ડિસેમ્બરના રોજ લેવાનારી અધિક્ષક, કાર્યાલય અધિક્ષકની પરીક્ષા માટે આ સેન્ટર ફાળવ્યુ હતું. જેને પગલે ગૌણ સેવા પસંદગી મંડળનો ગંભીર વિવાદ અને છબરડો સામે આવતાં શિક્ષણજગતમાં-પરીક્ષાર્થીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આમ જે સ્કૂલમાંથી બિન સચિવાલય ક્લાર્ક-૩ પરીક્ષાનું પેપર લીક થયું હતું તે જ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવી દેતા ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે વિવાદ વકરતાં બાદમાં આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળે ડીઈઓને એમએસ પબ્લીક સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે ૩૦૦ પરીક્ષાર્થીઓ હવે મણિનગરની બેસ્ટ સ્કૂલમાં પરીક્ષા આપશે.
Recent Comments