(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૦,
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનાં ત્રણ સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવા છતાં કોંગ્રેસનાં મેન્ડેડથી પન્નાબેન દિલીપભાઇ ભટ્ટ પ્રમુખ તરીકે ચુંટાયા હતા. અને ઉપપ્રમુખ પદે એડવોકેટ મુબારક પટેલ ચુંટાઇ આવ્યા હતા.
વડોદરા જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચુંટણી માટે જિલ્લા કલેકટર સાલીમી અગ્રવાલનાં અધ્યક્ષ સ્થાને સમગ્ર સભા મળી હતી. પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી પન્નાબેન ભટ્ટ અને કોંગ્રેસમાંથી બળવો કરીને ઇલાબેન ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી મુબારક પટેલ અને ભાજપમાંથી કમલેશ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર સભામાં ઉપસ્થિત સભ્યોનાં હાથ ઉંચા કરીને કરવામાં આવેલી ચુંટણીમાં કોંગ્રેસનાં પ્રમુખ ઉમેદવાર પન્નાબેન ભટ્ટ અને ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર મુબારક પટેલને ૧૯ મત મળ્યા હતા. જ્યારે પ્રમુખ પદનાં હરિફ ઉમેદવાર ઇલાબેન ચૌહાણ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલેશ પરમારને ૧૭ મત મળ્યા હતા.
ભાજપ દ્વારા વડોદરા જિલ્લા પંચાયતની સત્તા હાસલ કરવા માટે ક્ષત્રિયવાદ ચલાવી જિલ્લા પંચાયતનું ઉથલાવી દેવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભાજપે દરેક જાતનું જોર લગાવવા છતાં તેને સફળતા મળી ન હતી. ભાજપનાં તડજોડનાં પ્રયાસો વચ્ચે કોંગ્રેસે બાકીનાં અઢી વર્ષનાં ટર્મ માટે સત્તા ટકાવી રાખવામાં સફળતા મેળવતા કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસનાં પ્રમુખ-ઉપપ્રમુખ વિજેતા થયા હોવાની જાહેરાત થતા જ પંચાયત ભવન નીચે કોંગ્રેસ કાર્યકરોએ આતશબાજી અને મિઠાઇઓ વેચી ખુશી વ્યકત કરી હતી. અને નવનિયુકત પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન આપ્યા હતા.