ભાવનગર, તા. ૩૦
આઠેક માસ પૂર્વે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વણિક પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાની ચોરી થઈ હતી. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા પીએલ મલની સીધી સૂચના હેઠળ એલસીબીના પીઆઈ દીપક મીશ્રા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી આ ગુનાની ચોરીમાં સંડોવાયેલ સમીર કુરેશી, વિરેન્દ્ર ભુપતસિંહ ગોહિલ અને અશોક મારવાડી નામના ત્રણ શખ્સોને શંકાના આધારે ઉપાડી લઈ ત્રણેયની ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા પુછપરછમાં ત્રણેય શખ્સોએ ઉક્ત વિસ્તારમાં અને મકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપી પાસેથી એક મારૂતિ સ્વીફ્ટ કાર, મોબાઈલ રૂા. ૩પ,ર૩,૦૦૦ રોકડા સહિત અંદાજે રૂા. ૪૦ લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે લીધો હતો. આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ ચોરીના ગુનામાં સંડોવાયેલ સમીર કુરેશીની માતા હફીઝાબેને પોતાના પુત્રને પોલીસે વગર વાંકે ઉઠાવી ગયાનો આક્ષેપ કરી ઝેરી દવા પી લીધી હતી. જ્યારે સમીરના પત્ની શરીફાબેન પણ પોતાના પતિને પોલીસ લઈ ગઈ હોવાનો આક્ષેપો કર્યા હતા અને તેને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેવા આક્ષેપો તેણીએ કર્યા હતા.