(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૬
રાજ્યના મુખ્ય સચિવની મુદ્દત આગામી તા.૩૦ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે તેમની ખાલી પડનારી જગ્યા પર કોણ ?ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે.એન. સિંગની જગ્યા પર હાલ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્ત પર ગયેલા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે રહી ચૂકેલા હસમુખા સ્વભાવના અનિલ મુકીમને મુકાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. રાજ્યના મુખ્ય સચિવની મુદ્દત પૂર્ણ થવા આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે વર્તમાન મુખ્ય સચિવ જે.એન. સિંગને ફરી એક્સટેન્ટશન અપાશે કે નવા મુખ્ય સચિવ નિમાશે તે અંગે ભારે સસ્પેન્સ સેવાઈ રહ્યું છે. જો કે, ૩૦મીએ સાંજ સુધીમાં આ સસ્પેશન ઉપરથી પડદો ઊંચકાઈ જશે. સચિવાલય સાથે સંકળાયેલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંગની જગ્યા પર નવા મુખ્ય સચિવ પદની રેસમાં સૌથી પહેલું નામ કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા અનિલ મુકીમનું નામ ચર્ચાઈ રહ્યું છે. બીજા નંબરે ગુરૂપ્રસાદ મહાપાત્રા, ત્રીજા નંબરે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારનું નામ ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ નામોની માત્ર અટકળો જ થઈ રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વર્તમાન મુખ્ય સચિવની નિમણૂકનો પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય, પરંતુ જો એક્સટેન્શન ન અપાય તો નવા મુખ્ય સચિવ કોને બનાવવામાં આવશે તે નામ પર ચર્ચા ચાલી રહી છે. સચિવાલયના વર્તુળોમાં જો નવા સચિવ મુકાય તો અનિલ મુકીમ જ નવા સચિવ બનશે, તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.