(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર૦
ભરૂચ જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માજી ધારાસભ્ય તથા ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી-ભરૂચના પ્રમુખ મુહમ્મદ ફાંસીવાલા અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હૂમ ફાંસીવાલાના નિધનથી ભરૂચ જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. મર્હૂમના માદરે વતન કરમાડ ગામમાં આજે યોજાયેલી તેમની દફનવિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
તા.ર૮-૦૮-૧૯૩૯ના રોજ ભરૂચ તાલુકાના કરમાડ ગામે માતા એમણાબેન અને પિતા હાફેજી ઈસ્માઈલ પટેલના ત્યાં જન્મેલા મોહંમદ હાફેજી ઈસ્માઈલ પટેલ, ભરૂચ જિલ્લાની રાજનીતિ, વોરા પટેલ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિઓના માતબર વ્યક્તિત્વ હતા. ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ લીધા બાદ તેમણે વડોદરા અને મુંબઈમાં વાણિજ્ય શાખાનો અભ્યાસ કર્યો હતો. કોલેજ કાળથી સંગઠન, સેવા અને લોક ઉપયોગી રાજનીતિને વરેલા જનાબ મોહંમદ હાફેજી ઈસ્માઈલ પટેલ યુવાન વયથી જ ભરૂચ અને દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ખૂબ અગત્યનું પરીબળ હતા. તેઓ વર્ષ ૧૯૮૧થી ૧૯૮૯ સુધી એમ બે ટર્મ સુધી ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા હતા અને જીવનપર્યત કોંગ્રેસ પક્ષના આધારભૂત અને અસરકારક નેતા પણ હતા. તેમણે વર્ષ-ર૦૦૪માં કોંગ્રેસ પક્ષ તરફથી સંસદ સભ્ય તરીકે પણ ઉમેદવારી કરી હતી. તેમણે ધારાસભ્ય રહેવા ઉપરાંત એપીએમસીના ચેરમેન તરીકે પણ અસરકારક ફરજ બજાવી છે. વર્ષ-૧૯૮૦માં તેમના નેતૃત્વમાં સ્થાપેલ ટ્રસ્ટ ધી બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી ભરૂચ તેના સેવાકીય કાર્યો માટે ખૂબ નામના મેળવી છે. વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના તેઓ પ્રમુખ હતા. ખાસ કરીને ગરીબ જરૂરતમંદ અને જટિલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સંસ્થા છે.
આ ઉપરાંત કેજીથી લઈ ધોરણ ૧રમાં સુધી અંગ્રેજી માધ્યમની શાળા તેમજ નર્સિંગ સ્કૂલ, નર્સિંગ કોલેજ અને ત્યજેલા બાળકોને ઉછેરવા એમણે બનાવેલ ઓરફાન સેન્ટર એમના આ ટ્રસ્ટીની દેન છે. જેના પાયામાં મર્હૂમ મોહંમદભાઈ “ખિદમતે ખલ્કની” ભાવના રહેલી હતી. તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ભારત તેમજ પરદેશની ઘણી સંસ્થાઓએ બિરદાવી હતી અને જેને માટે અગણિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
સતત પ્રવૃત્તિ, શિસ્ત અને નિયમિતતાના આગ્રહી અને જીવંત ઉદાહરણ એવા મોહંમદભાઈની તબિયત છેલ્લા પંદર દિવસથી સારી ન હતી. તા.૧૯-૦૮-ર૦૧૮ના રાત્રિના તેઓ અલ્લાહના પ્યારા થઈ ગયા. સાથોસાથ તેમની હંમેશાની વાત “અલ્લાહને જ્યારે પણ મરજી હોય ત્યારે મોત આપે, મને મોતનો બિલકુલ ડર નથી”ને સાર્થક કરી ગયા. તા.ર૦-૦૮-ર૦૧૮ના રોજ તેમની દફનવિધિ તેમના વતન કરમાડ ગામે સવારે ૧૧ઃ૦૦ કલાકે ખુબ મોટા માનવ મહેરામણની હાજરીમાં થઈ હતી. તેમણે ચીંધેલા રાહ પર ચાલી આપણે “ખિદમત-એ-ખલ્ક”ની મુહીમ સૌ ભેગા મળીને ચાલુ રાખીએ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાશે.

ફાંસીવાલાનાં નિધનથી ભરૂચ જિલ્લાએ
સક્ષમ નેતા ગુમાવ્યો : અહમદ પટેલ

ભરૂચ/અંકલેશ્વર, તા.ર૦
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવી મોહંમદભાઈ પટેલના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને શોકસંદેશ પાઠવ્યો છે. અહમદભાઈ પટેલે શોક સંદેશમાં જણાવ્યું છે કે બે ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને જનતાના અવાજને તેમણે વાચા આપી અનેક લોકહિતના કાર્યો કર્યા હતા. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ તરીકે તેમણે આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વેનું પોતાનું ઋણ અદા કર્યું છે. અલ્લાહ તેઓને જન્નતનશીન કરે એવી લાગણી સાથે અહમદભાઈએ જણાવ્યું છે કે, તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા વ્યક્તિને ગુમાવ્યા છે. જેમની ખોટ સદાયે વર્તાતી રહેશે અને તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.