(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
વિશ્વમાં છોકરાઓના સૌથી વધુ લોકપ્રિય નામ ‘મુહમ્મદ’ હવે અમેરિકામાં પ્રથમ વાર છોકરાઓના ટોપ-૧૦ નામની યાદીમાં સામેલ થઇ ગયું છે. વાલીઓની વેબસાઇટ ‘બેબી સેન્ટર’ની વાર્ષિક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે છોકરાઓનું નામ ‘મુહમ્મદ’ અને છોકરીઓનું નામ ‘આલિયા’એ યાદીમાંના મેસન અને લૈલાનું સ્થાન લઇ લીધું છે. છોકરીઓ માટે સૌથી લોકપ્રિય નામ ‘સોફિયા’ યાદીમાં યથાવત રહ્યું છે. જોકે, આ યાદીમાં છોકરાઓનું નામ ‘લિયામ’ સૌથી મોખરે એટલે પહેલા નંબરે આવી ગયું છે. ઇસ્લામના પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું નામ જુદી-જુદી રીતે લખવામાં આવે છે, એટલે કે મુહમ્મદ નામની સ્પેલિંગ Mohammad, Mohammed, Muhamad or Muhammadછે. એક અખબારી નિવેદનમાં બેબી સેન્ટરના ગ્લોબલ એડિટર ઇન-ચીફ લિન્ડા મુરેએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં છોકરાઓના નામોની યાદીમાં હાલમાં સૌથી આગળ છે. તેથી હવે અમને લાગે છે કે અમેરિકાના ટોપ-૧૦ નામોની યાદીમાં સામેલ થઇ જશે. મુસ્લિમ પરિવારોમાં પ્રથમ જનમેલા પુત્રનું નામ મુહમ્મદ રાખવાનું વધુ પસંદ કરવામાં આવે છે. બ્રિટનમાં પણ મુસ્લિમોમાં છોકરાઓ માટે ‘મુહમ્મદ’ નામ બહુ લોકપ્રિય છે.