(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧૦
રાજ્યની વર્તમાન સરકાર લગાતાર માનવાધિકારના હકોનું ખંડન કરી રહી છે. તેવું ભૂજ ખાતે માનવઅધિકાર દિનની ઉજવણીમાં મુંજાહિદ નફીસે જણાવ્યું હતું.
માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટીના ઉપક્રમે ભૂજના હમીરસર તળાવ કાંઠે માનવઅધિકાર દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલી જાહેર સભાને પ્રમુખસ્થાને સંબોધન કરતાં માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી ગુજરાતના પ્રમુખ મુંજાહિદ નફીસે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં માનવાધિકાર પંચમાં સરકારે હજુ સુધી કોઈ ચેરમેનની પણ વરણી નથી કરી ! માત્ર સભ્ય વ્યક્તિના ઈન્ચાર્જપદે આ પંચ ચાલી રહ્યું છે. નાગરિકને પોતાના બંધારણીય હક મળતા નથી અને સરકાર પોતાના અનુકૂળ લોકોને જ માનવાધિકાર સમિતિમાં સ્થાન આપે છે.
અમદાવાદથી મુખ્ય વક્તા તરીકે આવેલા મુંજાહિંદ નફીસે લોકોને પોતાના બંધારણીય હકો મેળવવા સંઘર્ષ કરવા જણાવ્યું હતું. પોતાના હક્કો વિશે જાગૃત રહેવાની તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે કચ્છના સામાજિક અગ્રણી અમીરઅલી લોઢિયાએ જણાવ્યું કે, આપણા દેશના કાયદામાં પૂરી તાકાત છે. લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા, પચ્છમ અગ્રણી ઉમર શેરાભાઈ સમા, લતાબેન સચદે સહિતના અગ્રણીઓએ પ્રાસંગીક વક્તવ્ય આપ્યા હતા. હમીરસર તળાવકાંઠે યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણીઓ અલીઅસગરભાઈ, મુસ્તાકભાઈ હિંગોરજા, કાસમભાઈ સમા, નરેશ મહેશ્વરી, રમેશભાઈ ગરવા વગેરે મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા.