(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
મુખ્ય ચૂંટણી અધિકારી મુકેશ ચંદ્રા સાહુએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં આસામના તમામ મતદાન મથકો ખાતે વીવીપીએટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વીવીપીએટ પ્રિન્ટર ડિવાઈસ છે. જે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે જોડાયેલ હોય છે. મનની ખાતરી માટે વીવીપીએટ દ્વારા એક પ્રિન્ટિંગ સ્લીપ આપવામાં આવે છે જેની પર નામ અને મત અપાયેલી પાર્ટીનું પ્રતીક હોય છે. આ સ્લીપને મતો સાથે મેળવવામાં આવે છે.
સાહુએ જણાવ્યું હતું કે, સમગ્ર આસામમાં વીવીપીએટ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મતદારોને આ વીવીપીએટનો ખ્યાલ આવે માટે ‘મોક વોટિંગ’ પણ યોજવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને પગલે પેઈડ ન્યૂઝ પર નિયંત્રણ મૂકવા દેખરેખ રખાઈ રહી છે. આ મામલે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટીની પણ રચના કરવામાં આવી છે. જે અખબારો અને સમાચાર ચેનલો પર પ્રસિદ્ધ થનારા અહેવાલો તથા ન્યૂઝ પર નજર રાખશે. જિલ્લા અને રાજ્ય સ્તરે આ કમિટીની રચના કરવામાં આવી છે.