(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧
શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી ગુજરાત ગેસ કંપનીના રેસીડેન્ટ કસ્ટમરોને સપ્લાય બંધ કરવામાં આવતા નવા વર્ષના પ્રથમ દિવસે જ હજારો પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લીંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં આજે સવારે ધડાકાભેર ભંગાણ સર્જાયું હતું. ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિત સમગ્ર લીંબાયત વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ કર્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ લીંબાયત વિસ્તારમાં ગુજરાત ગેસના રેસીડેન્ટ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. સવારના સમયે ઠંડીના વાતાવરણમાં કિચનમાં ગેસ સપ્લાય બંધ થતા ગૃહિણીઓને ભારે મુશ્કેલી નડી હતી. સવારના સમયે નોકરી ધંધાર્થે જનારાઓને ચા, નાસ્તો અને ટીફીન વગર જ જવાની ફરજ પડી હતી. સવારના સમયે સ્કૂલે જનારા વિદ્યાર્થીઓ ન્હાયા વગર જ સ્કૂલમાં ગયા હતા. ગેસ સપ્લાય અંગે ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર કેર સર્વિસ સેન્ટર પર સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ગુજરાત ગેસ કંપનીના અધિકારીનો મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મીઠીખાડી પાસે મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હોવાથી પરવત પાટીયાથી લીંબાયત સુધીના વિસ્તારમાં આશરે વીસેક હજાર જેટલા ગ્રાહકોને અસર થઈ છે. ગેસ કંપનીના અધિકારી દ્વારા વધુમાં જણાવ્યું છે કે મીઠીખાડી કૈલાશનગર પાસે ખાડીની અંદર સાડા ચાર મીટર નીચે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈન નાંખેલી છે. મહાનગરપાલિકા દ્વારા ખાડી કિનારે રસ્તો બનાવવા પાળો બાંધવાની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હોવાથી મોડી રાતથી જ ગેસ સપ્લાય બંધ છે. આજે સવારે લીંબાયત પરવત પાટીયા, ગોડાદરા વિસ્તારના લોકોએ ગેસ ચાલુ કર્યો ત્યારે તેઓને ગેસ લાઈન બંધ હોવાની જાણ થઈ. ગુજરાત ગેસ કંપનીના અધિકારીએ વધુમાં જણાવ્યું કે ૩૦થી ૪૦ લોકોની ટીમ મીઠીખાડીમાં જ્યા ભંગાણ સર્જાયું છે ત્યાં ગેસ પાઈપનો રૂટ શિફ્ટીંગનું કામ કરી રહ્યા છે. આજે મોડી રાત સુધી કામગીરી પૂર્ણ થશે અને ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવશે.
લીંબાયત, પરવત પાટીયા, ગોડાદરા વિસ્તારમાં આવેલ આશરે વીસેક હજાર જેટલા ઘરેલુ કનેકશનમાં ગેસ સપ્લાય બંધ થવાની સાથે જ ગૃહિણીઓએ કકળાટ કર્યો હતો. આજે મોડી રાત સુધી ગેસ સપ્લાય ચાલુ થાય તેવી શક્યતા જણાય રહ્યી છે.