(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
બોરસદ પંથકમાં આજે બે ઈંચ જેટલો વરસાદ ખાબકવાનાં કારણે તેમજ સાર્વત્રિક મેધ મહેરને લઈને કયાંક ખુશી તો કયાંક ગમની સ્થિતી પ્રવર્તી રહી છે,સતત મેધમહેરનાં કારણે તેમજ વરસાદી પાણીનો નિકાલ અવરોધાવાનાં કારણે વિવિધ ગામોમાં પાણી ભરાતા સામાન્ય જન જીવન પ્રભાવીત થયું છે,અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.ત્યારે સરદાર ગુર્જરીની ટીમ દ્વારા લોકોની વચ્ચે જઈ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ લોકોની પરિસ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બોરસદ તાલુકાનાં ગાજણા,સારોલ,સંગદેવ પીલોદ્રા સહીત ચાર જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર ભાદરણીયા ગામ પાસે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદનાં કારણે કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે.તેમજ ગામનાં મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ જતા લોકો ભારે હાડમારી અનુભવી રહ્યા છે,આજે સવારે ગ્રામજનોને પોતાનાં બાળકોને ઉંચકીને શાળાએ પહોંચાડવા પડયા હતા,જયારે મોટા વિદ્યાર્થીઓને પણ પાણી ડહોળીનેે શાળામાં જવું પડયું હતું,તેમજ ભાદરણીયા ગામ પાસેથી ચાર ગામોને જોડતા મુખ્ય માર્ગ પર જ કેડ સમાણા પાણી ભરાઈ જતા આ માર્ગ પર વાહન વ્યવ્હાર ખોરવાયો હતો અને ચાર ગામોનાં લોકોને અન્ય માર્ગ પર ૨૦ કિલોમીટરનું લાંબુ અંતર કાપીને અવર જવર કરવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગ પર કેડ સમાણા પાણી ભરાવાનાં કારણે એસ ટી બસ રીક્ષા કે અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેમ ના હોઈ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને કેડ સમાણા પાણીમાં થઈને અવરજવર કરવી પડી હતી જેનાં કારણે વિદ્યાર્થીઓનાં કપડા તેમજ પુસ્તકો નોટબુકો પણ પલળી ગઈ હતી.જયારે પાણી ભરાવાનાં કારણે મોટા ભાગનાં વિદ્યાર્થીઓેેએ શાળામાં જવાનું ટાળ્યું હતું જેનાં કારણે ભાદરણની શાળા કોલેજોમાં પણ આજે પાંખી હાજરી જોવા મળી હતી. જયારે ખેતરમાં અવર જવર કરવા માટે ખેડુતોને પણ આ કેડ સમાણા પાણીમાં થઈને અવરજવર કરવી પડે છે,જેનાં કારણે ખેડુતો પોતાનાં પશુઓને લઈને ખેતરમાં પણ જઈ શકતા નથી તેમજ પશુઓ માટે ધાસ લાવવામાં પણ ભારે હાલાકી અનુભવવી પડે છે.જયારે ખેતરાળુ માર્ગો પર નળીઓમાં પણ ચાર ચાર ફુટ પાણી ભરાતા સીમ વિસ્તારમાં ખેતરોમાં રહેતા લોકોને ધરમાં પુરાઈ રહેવું પડે છે,અને તેઓ ગામમાં પણ આવી શકતા નથી,તેમજ ખેતરમાંથી ગામમાં અવર જવર કરવા માટે હોડીનો સહારો લેવો પડે છે, છેલ્લા ૨૪ કલાકથી ભાદરણીયા ગામનાં મુખ્ય માર્ગ તેમજ ગામનાં મંદીરો,શાળા અને ગ્રામ પંચાયતમાં જવાનાં માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે,તેમજ સીમ વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,જે અંગે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતાં તંત્રનાં જવાબદાર અધિકારીઓ વામણા પુરવાર થયા છે.અને અધિકારીઓ આ વિસ્તારમાં ડોકીયું કરવા પણ આવ્યા નથી,જેનાં કારણે ગ્રામજનોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોસ પ્રવર્તી રહ્યો છે.