અમદાવાદ,તા. ૨૨
મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ગરીબો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં માધપુરા પોલીસે બે મહિલા સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર મામલામાં આરોપીઓ કેવી રીતે બોગસ ડોકયુમેન્ટ્‌સ બનાવતા હતા અને તેમને કોણ કોણ મદદ કરતું હતું તે સહિતના મુદ્દાઓની પણ તપાસ આરંભી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં ઇદગાહબ્રીજ પાસે બનેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવી દેવાની લાલચ આપી સાબરમતી નદીના પટના વિસ્થાપિત ગરીબ લોકોને ઉપરોકત ઠગ ટોળકીએ ફસાવ્યા હતા અને તેઓની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. ઠગ ટોળકીના સભ્યો દ્વારા ગરીબ લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેઓને મકાન ફાળવ્યું હોવાના બોગસ દસ્તાવેજો બતાવી તેના આધારે રૂપિયા ખંખેર્યા હતા. આ ઠગાઇ પ્રકરણમાં છેતરપીંડીનો ભોગ બનનાર ફરિયાદી તરફથી ઝોન-૨ના ડીસીપીને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ડીસીપીએ આ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધવા માધુપુરા પોલીસને નિર્દેશ કરતાં માધુપુરા પોલીસે બોગસ એસ્ટેટ ઓફિસર બનીને આવેલા આરોપી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી અને સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ આરંભી હતી. માધુપુરા પોલીસે આરોપીઓએ અત્યારસુધીમાં કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપીંડી આચરી અને ઠગાઇ મારફતે કેટલા રૂપિયા ખંખેર્યા તેની પણ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારના ઠગાઇના કૌભાંડોના પર્દાફાશ થયા હોવાછતાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પરિસ્થિતિના માર્યા ઠગાઇનો ભોગ બનતા હોય છે પરંતુ તેઓએ આવા લેભાગુ ઠગ તત્વોથી સાવધ રહેવાની જરૂર છે.