Ahmedabad

મુખ્યમંત્રી રાહતફંડની વિગતો જાહેર કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ

અમદાવાદ, તા.૨૩
મુખ્યમંત્રી રાહત ફંડ અંગેની વિગતો જાહેર કરવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકારને મુખ્યમંત્રી રાહતફંડને લઇ તાજી સ્થિતિ અંગે સૂચના મેળવી અદાલતને જાણ કરવા મૌખિક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે જાહેરહિતની રિટની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડની વિગતો જાહેર કરવામાં આવતી નથી કે, તેની વિગતો પણ સરકારની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતી નથી. જોગવાઇ મુજબ, સરકારે મુખ્યમંત્રી રાહત ફંડની વિગતો અને માહિતી તેની વેબસાઇટ પર પણ જાહેર કરવી જોઇએ પરંતુ તેમ થતું નથી. તાજેતરમાં સરકારે બનાસકાંઠા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોના પીડિતોની સહાય માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે, જેમાં તા.-૮-૨૦૧૭થી કરેલી આ જાહેરાત બાદ સરકારને રૂ.૭૧.૫૪ કરોડની રકમ પ્રાપ્ત થઇ છે, ગઇકાલે તા.૨૨મી ઓગસ્ટે રૂ.એક કરોડનું દાન મળ્યું છે અને આ સિવાય પણ નાની-મોટી રકમના દાન મળ્યા છે. પરંતુ તેમછતાં સરકાર દ્વારા રાહત સહાયની રકમોના આંકડા, કરોડો રૂપિયા જેને સહાયમાં આપવાના છે, તે લાભાર્થીઓ કોણ છે તે સહિતની વિગતો સરકારી વેબસાઇટ પર જાહેર કરવી પડે પરંતુ સરકારે આ તમામ વિગતો જાહેર જ કરી નથી. સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડની વેબસાઇટ તાત્કાલિક બનાવવામાં આવે અને તેની પર આ તમામ વિગતો પ્રસિધ્ધ કરાય તેવી પીઆઇએલમાં દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારપક્ષને મુખ્યમંત્રી રાહત ફંડની વિગતો જાહેર કરવા બાબતે શું તાજી સ્થિતિ કે જોગવાઇ છે તેની સૂચના સરકારમાંથી મેળવી અદાલતને જાણ કરવા મૌખિક નિર્દેશ કર્યો હતો.