(એજન્સી) પટના, તા.૩૦
બિહારમાં ભાજપાના ધારાસભ્ય નવલ કિશોર યાદવે રાજ્યપાલ સત્યપાલ મલિકની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમને મારવાની ધમકી પણ આપી છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર ટ્‌વીટ કરી છે કે ભાજપાના એમ.એલ.સી. જાહેરમાં માનનીય રાજ્યપાલને ધમકી આપી રહ્યા છે કારણ કે તેઓ શિક્ષણ માફિયાની વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. તેજસ્વીએ લખ્યું છે કે, રાજ્યપાલ રાજ્યમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને શિક્ષણ માફિયાઓ વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. જેનાથી ગભરાયેલા બીજેપી ધારાસભ્ય તેમને મારવાની ધમકી આપી રહ્યા છે. તેજસ્વીએ આના દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો છે અને લખ્યું છે કે, આ ગુંડાઓનો પક્ષ છે કે જેના લોકો રાજ્યપાલને પણ ધમકી આપતાં ખચકાટ અનુભવતા નથી. શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય નવલ કિશોર યાદવ વિધાનસભા પરિસરમાં જાહેરમાં કહી રહ્યા છે. રાજ્યપાલનું રાજ થોડું છે ? જેમ કહેશે તેમ થઈ જશે. તેમને મુક્કાને મુક્કા મારીશું. તેજસ્વી યાદવે આ બાબતને ખૂબ જ શરમજનક ગણાવી છે.