(એજન્સી) નવી દિલ્હી, તા.૧
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય વેશ્યાવૃત્તિ રેકેટના સકંજામાંથી ૩૯ યુવતીઓને છોડાવવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની મદદથી મંગળવારે મોટી રાત્રે આ યુવતીઓને દિલ્હીના પહાડગંજમાંથી આઝાદ કરાવી. આ યુવતીઓને નેપાળથી અહીંયા વેશ્યાવૃત્તિના વમળમાં ફસાવવા માટે લાવવામાં આવી હતી. આટલું જ નહીં, આ પહેલા સ્વાતિ માલીવાલે મંગળવારે સાંજે વસંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અઢાર મહિલાઓને મુક્ત કરાવી હતી. તેમાં પણ ૧૬ મહિલાઓ નેપાળની છે. પોલીસે જણાવ્યું કે, એક સંયુક્ત અભિયાનમાં વારાણસી પોલીસની ગુનાહિત શાખા અને દિલ્હી પોલીસે કાલે વસંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાન પર દરોડા પાડ્યા અને ૧૮ મહિલાઓને છોડાવી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાઓને પાછલા ઘણા દિવસોથી ઘરમાં કેદ રાખવામાં આવી હતી અને તેમને ટૂંક સમયમાં જ તસ્કરી દ્વારા ખાડી દેશોમાં મોકલવામાં આવનાર હતી. તેમણે આ બાબતે પૂછપરછ કરવા માટે ત્રણ લોકોને હિરાસતમાં લીધા છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, આ મહિલાઓને આશ્રય ગૃહમાં મોકલવામાં આવશે અને તેમને પરત મોકલવા માટે નેપાળી દૂતાવાસ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ મહિલાઓને જ્યાં રાખવામાં આવી હતી, ત્યાંથી ૬૮ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા, જેમાંથી સાત ભારતીય પાસપોર્ટ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નેપાળી મહિલાઓને નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી અને પહેલા તેમને ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાવવામાં આવી હતી. જુલાઈના પહેલા અઠવાડિયામાં બે નેપાળી મહિલાઓ તસ્કરી કરનારાઓની જાળમાંથી ભાગી જવામાં સફળ રહી હતી. તેમણે નેપાળ પોલીસને આ રેકેટ વિશે જણાવ્યું, ત્યારબાદ નેપાળ પોલીસે નેપાળ દૂતાવાસનો સંપર્ક કર્યો.
દૂતાવાસની સૂચનાના આધારે વારાણસી પોલીસે ગત સપ્તાહે વારાણસીમાં ડઝનેક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. તેમણે શિવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જયસિંહ નામના શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સિંહે જણાવ્યું કે, નેપાળી મહિલાઓના એક સમૂહને તસ્કરી દ્વારા પ.એશિયામાં લઈ જવામાં આવી રહી છે. તસ્કરોની જાળમાંથી નાસી છૂટવામાં સફળ રહેલી બે મહિલાઓ અને સિંહના નિવેદનના આધારે વારાણસી ગુનાહિત શાખાએ દિલ્હી પોલીસની સાથે અભિયાન ચલાવ્યું.