(એજન્સી) કોલકાતા, તા. ૨૨
રેલવે પેનલમાં હોદ્દો અપાવવાના વાયદા બદલ એક વ્યક્તિ પાસેથી ૭૦ લાખ રૂપિયા લેવા બદલ છેતરપિંડીના આરોપો હેઠળ ભાજપના સિનિયર નેતા મુકુલ રોય ફરીવાર નવી મુશ્કેલીમાં ફસાયા છે. પટૌલીમાં ભાજપના લેબર પાંખના નેતા અને સાથી બબન ઘોષની ધરપકડને પગલે પોતાની ધરપકડ અટકવવા માટે મુકુલ રોય આખરે વચગાળાના જામીન મેળવવા માટે કલકત્તા હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. ભાજપના લેબર લીગલ સેલના મહાસચિવ બબનને ઇન્ડિયન પીનલ કોડના કાયદાઓ અંતર્ગત આવતા છેતરપિંડી અને અપરાધિક ષડયંત્ર હેઠળ સારસુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓમાં રોયનું નામ પણ સામેલ હતું. પીડિત સાંતુ ગાંગુલીએ આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસ સમક્ષ ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી તેમ ડેપ્યુટી કમિશનર નિલંજન બિસ્વાસે જણાવ્યું હતું. ગાંગુલીએ આરોપ મુક્યો હતો કે, તેને રેલવે મંત્રાલયના એક હોદ્દા માટે આશ્વાસન આપવા માટે બબન સતત તેની પાસે આવતો હતો.