અમદાવાદ, તા.ર૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ બાપુની તસવીરને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ આપી હતી.
વડાપ્રધાને સાબરમતી આશ્રમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પનું ખેસ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનનું સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ સ્વાગત કર્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત પોથીમાં નોંધેલા સંદેશમાં જણાવ્યું કે, “To My great friend Prime Minister Modi-Thank you for this wonderful visit’’
મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ગાંધી આશ્રમ સંબંધિત જાણકારી આપી હતી. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ તથા મેલાનિયા ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિને જાપાનના બૌદ્ધ સાધુએ મહાત્મા ગાંધીજીને વર્ધામાં ૧૯૩૩માં ભેટમાં આપેલી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
આશ્રમ દ્વારા બાપુની આત્મકથા, ચરખો તથા બાપુએ લખેલ તારિજ અમેરિકાના રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યા હતા.