(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર,૨૬
છેલ્લા ચાર દિવસથી કલમ ગામ ખાતે આમરણાંત ઉપવાસના ઉતરેલા ખેડૂતોની મુલાકાત કોંગ્રેસ ડેલિગેશન દ્વારા લેવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલની સૂચનાથી ખેડૂતો હક્ક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂર પડશે તો રસ્તા પર ઊતારશે તેમ જિલ્લા નવ નિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું. હાંસોટ તાલુકાના તથા જિલ્લાના ઓએનજીસી દ્વારા મુખ્ય પ્રાણ પ્રશ્નોના લેવાઈ ચૂકેલ સર્વાનુમત્તે નિર્ણયોનો નિકાલ નહી થતાં તથા વિવિધ રીતે અસરગ્રસ્ત ખેડૂતોના કાયદેસરના હક્કના બાકી વળતરો નહીં ચૂકવાતા કલમ ગામના ખેડૂત પદ્યુમન આઈ. પટેલનાઓ છેલ્લા ૩ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઊતર્યા છે અને જો તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો તાલુકા તથા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો વિવિધ વિસ્તારોમાં આમરણાંત ચાલુ રાખશે. ગતરોજ કલમ ગામના ખેડૂત અને સહકાર આગેવાન નીતેશ પટેલ પણ ટીમની સાથે આમરણાંત ઉપવાસ પર બેસ્યા છે. હાંસોટ કલમ મુકામે વાગરા, જંબુસર, અંકલેશ્વર, ભરૂચ તથા હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોના આગેવાન હાજર રહી આમરણાંત ઉપવાસને વેગ મળે ખેડૂતોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી વધુ આંદોલન ઉગ્ર બને તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલને જાણ કરવામાં આવતા તેમના દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિને ખેડૂતો મુલાકત લઇ તેમના પ્રશ્નોને વાચા આપવા જણાવ્યું હતું જે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાઝુભાઈ ફડવાલા, જિલ્લા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સુનિલભાઈ પટેલ, મગનભાઈ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓનું ડેલિગેશન આમરણાંત ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોની તબિયત તેમજ ખબર અંતર પૂછ્યા હતા તેમજ તેમના વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી સાંસદ અહમદ પટેલને વાકેફ કર્યા હતા. આ અંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે ખભેખભા મિલાવી ઊભી રહી છે. તેમને થતા અન્યાય સંદર્ભે હંમેશ લડત ચલાવી રહી છે. ઓએનજીસી દ્વારા ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાય સંદર્ભે જરૂર પડશે તો ખેડૂતો માટે રસ્તા પર ઊતારતા કોંગ્રેસ પક્ષ ખચકાશે નહીં તેમજ આગામી દિવસો ખેડૂતો દ્વારા ગામે ગામ આંદોલન કરી આવેદનપત્ર પાઠવામાં આવશે અને જરૂર તેમની સાથે ખેડૂતો પણ આમરણાંત ઉપવાસ પર જોડાય રહ્યા છે ત્યારે આ ન્યાયની લડાયમાં કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે.