અમરેલી, તા.૧૨
અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્ક ખાતે ગુજરાત ભરમાંથી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષથી લાભ પાંચમ સુધીમાં અંદાજે ૭ હજાર જેટલા ટુરિસ્ટો નોંધાયા હતા. છેલ્લા પાંચ દિવસમાં વન વિભાગને ૧૨.૬૮ લાખની આવક નોંધાઈ હતી.
ગત વર્ષ ઓક્ટોબર ૨૦૧૭માં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ પાર્ક ખુલો મુકવામાં આવેલ હતો આ વર્ષે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ભરૂચ તેમજ મહારાષ્ટ્ર વગેરે જેવા શહેરોમાંથી દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા ધારી ગીર પંથકમાં ધામા નાખ્યા હતા જેમાં આંબરડી સફારી પાર્ક ખાતે આ વર્ષથી પહેલી વખત સહેલાણીઓને નવો પોઇન્ટ મળતા અનેરો ઉત્સાહ પણ જોવા મળેલ હતો.
ગુજરાત મહારાષ્ટ્રમાંથી ટુરિસ્ટોની ભીડ જોવા મળેલ હતી જેના કારણે સફારી આંબરડી પાર્કમાં નવા વર્ષથી લાભ પાંચમ સુધીમાં એટલેક પાંચ દિવસમાં ૬,૬૪૩ ટુરિસ્ટો નોંધાયા હતા અને જેના કારણે વન વિભાગને ૧૨ લાખ ૬૮ હજાર ૬૭૦ની આવક થઇ હતી પાંચ દિવસના ટુરિસ્ટોના આંકડા જોયેતો આંબરડી સફારી પાર્કમાં નવા વર્ષના દિવસે તા.૮/૧૧ ના ૭૫૨ ટુરિસ્ટોએ મુલાકાત લીધી હતી અને ૧.૪૨.૮૮૦ની આવક થઈ હતી. જ્યારે તા.૯/૧૧ના ૧૨૫૭ સહેલાણીઓ મુલાકાત લેતા ૨.૪૨.૩૩૦ની આવક થઇ હતી તેમજ ૧૦/૧૧ના રોજ ૧૬૭૬ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે આંબરડી પાર્કને ૩.૧૮.૪૪૦ ની આવક થઇ હતી જ્યારે ૧૧/૧૧ના રવિવારના ૧૬૫૮ સહેલાણીઓ ઉમટી પડતા ૩૧૫૦૨૦ની આવક થઇ હતી જ્યારે આજે લાભ પાંચમના દિવસે અંદાજે ૧૩૦૦ જેટલા સહેલાણીઓ આવતા ૨.૫૦ લાખની આવક થઇ હતી. સફારી પાર્ક ખાતે ટુરિસ્ટો માટે ૮ વ્હીકલ રાખવામાં આવ્યા હતા અને પાર્કના સ્ટાફના ટ્રેકર, ગાર્ડ, ફોરેસ્ટર સહિતના સ્ટાફે સહેલાણીઓને ઉત્સાહ પૂર્વક સિંહો, હરણ, કાળિયાર, ચિંકારા, નીલગાય, દીપડા સહિતના પ્રાણીઓના દર્શન કરાવ્યા હતા.