અમદાવાદ,તા. ૪
શહેરના વિસત-ગાંધીનગર હાઈવે પર આવેલી ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના પ્રોફેસરે કોલેજમાં આવતાં મુલાકાતીઓનું ચેકીંગ કરવા બાબતે સીકયોરીટી ગાર્ડને ટકોર કરતાં ગાર્ડે ઉશ્કેરાઇ જઇ ઉલ્ટાનું પ્રોફેસરને જ લાકડી વડે ફટકારતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સીકયોરીટી ગાર્ડના મારનો ભોગ બનેલા પ્રોફેસર દિપેશ મકવાણાએ આરોપી સીકયોરીટી ગાર્ડ જીગ્નેશ શ્રીમાળી વિરૂધ્ધ ચાંદખેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઉત્સવ ડુપ્લેક્ષ ખાતે રહેતા દિપેશ મકવાણા(ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે અને જીટીયુમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે સવારે તેઓ કોલેજમાં ગયા ત્યારે ગેટ પર સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં જીગ્નેશ શ્રીમાળીને તેમણે ટકોર કરી હતી કે, તમે ગેટ પર ખાલી બેસી ના રહેશો, કોલેજના પ્રિન્સીપાલની કોલેજમાં આવનજાવન કરતાં મુલાકાતીઓનું ચેકીંગ કરવાની સૂચનાનું પાલન કરો અને કોલેજમાં આવતાં માણસોને ચેકીંગ કરીને જ અંદર આવવા દો. જેથી પ્રોફેસરની આ ટકોરથી સીક્યોરીટી ગાર્ડ જીગ્નેશ શ્રીમાળી ઉશ્કેરાઇ ગયો હતો અને તરત જ પ્રોફેસર દિપેશ મકવાણાને બે-ત્રણ થપ્પડ મારી દીધા હતા. એટલું જ નહી, બાજુમાં પડેલી લાકડી લઇ તે પ્રોફેસરને ફરી વળ્યો હતો. એટલામાં પ્રોફેસરના મિત્રએ ત્યાં આવી તેમને છોડાવ્યા હતા. બાદમાં પ્રોફેસર દિપેશ મકવાણાએ આરોપી સીકયોરીટી ગાર્ડ જીગ્નેશ શ્રીમાળી વિરૂધ્ધ ચાંદખેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.