(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧પ
મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરતો નર્મદારથ સરા ગામે આવતા જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ ભાજપના આગેવાનો સામે પ્રશ્નનો મારો ચલાવી ઉગ્ર રોષ દર્શાવી વિરોધ પ્રગટ કરતા નર્મદારથને ગામમાં પ્રવેશ અટકાવતા ન છુટકે નર્મદારથને આગળ ધપાવવો પડ્યો હતો.
ખેડૂતોએ કરેલ દલીલ મુજબ ચોટીલા-મુળી વિસ્તારના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે સરા ગામ દત્તક લીધેલ હતંુ. દત્તક લીધા બાદ પણ સરા ગામની પ્રજા રસ્તા, ગટર જાહેર શૌચાલય, બસ સ્ટેન્ડ સહિત પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત રહી છે .
સરા ગામે પાણીમાં ક્ષારની માત્રા વધારે હોવાના કારણે સરા ગ્રામજનોને પીવા માટે ફરજિયાત નર્મદાના પાણી પર આધાર રાખવો પડે છે. નર્મદાનું પાણી અનિયમિત અને અપુરતા પ્રમાણમાંં આવતા સરા ગ્રામજનો ૧૫૦૦થી વધુ ટીડીએસવાળા પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવો પડે છે.
સરકારની સૌની યોજનાની બે પાઇપલાઇન સરાથી માત્ર ૧૩ કિ.મી. દૂર આવેલ હોય વારંવાર માગણી છતાં સૌની યોજનાનો લાભ ખેડૂતોને મળેલ નથી.
અતિવૃષ્ટી બાદ સરા ગામના ખેડૂતોના ખેતર, વાડીમાં મોટા પાયે ધોવાણ થયેલ. પાક પણ નિષ્ફળ નિવડેલ હોય સર્વે કરી ગયા પછી આજદિન સુધી કોઇ સરકારી સહાય મળેલ નથી. પાકવિમો પણ નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાસંદસભ્ય દેવજીભાઇ ફતેપરા સરા ગામમાં ડોકાયા નથી. ભાજપ પાર્ટીને ખોબલેને ખોબલે મતો આપી વિજય બનાવેલ હોવા છતાં સરા ગામ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા પ્રજામાં હતાશા જોવા મળી હતી. જેના કારણે રોષની લાગણી ચિન્ગારી બનતા ભાજપનો ગઢ ગણાતા સરા ગામમાં નર્મદા રથયાત્રાનો બહિષ્કાર કરી ગામમાં પ્રવેશ નહિ કરવા વિરોધની લાગણી વ્યક્ત કરી હતી.