ભારત અને જાપાને સંયુક્ત નિવેદન જારી કરીને મુંબઈમાં થયેલા વર્ષ ૨૦૦૮ના ભીષણ ત્રાસવાદી હુમલામાં માસ્ટર  માઇન્ડને સજા કરવા પાકિસ્તાનને સૂચન કર્યું હતું. સાથે સાથે વર્ષ ૨૦૧૬માં પંજાબમાં પઠાણકોટ ખાતે આઈએએફ બેઝ ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં સામેલ રહેલા ત્રાસવાદીઓને પણ યોગ્ય સજા કરવા પાકિસ્તાનને કહ્યું હતું. સંયુક્ત નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, અલકાયદા, આઈએસ, પાક સ્થિત ત્રાવસાદી સંગઠનો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. સંયુક્ત નિવેદનમાં અલકાયદા, આઈએસ, જૈશે મોહમ્મદ અને લશ્કરે તોઇબાનો સીધીરીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્ઝો અબેએ ત્રાસવાદી સંગઠનોથી આવી રહેલા ત્રાસવાદી ખતરા સામે ભારત-જાપાન સહકારને મજબૂત કરવા સહમતિ દર્શાવી હતી. મોદી અને અબેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકબીજાની ઉમેદવારની મજબૂતરીતે સમર્થન કરવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. ભારત અને જાપાન વિસ્તૃત કરવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે મજબૂત દાવેદાર હોવાની પણ કરવામાં આવી હતી. ચીન પ્રાયોજિત સીપીઇસીની ટિકા પણ આ નિવેદનમાં કરવામાં આવી છે. પારદર્શક માહોલ સર્જવાનું સુચન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા જાળવી રાખવામાં આવેલા જમ્મુ કાશ્મીરના ભાગ મારફતે પસાર થતાં ચાઈના-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરનો ભારતે હમેશા વિરોધ કર્યો છે. પઠાણકોટ અને મુંબઈ ત્રાસવાદી હુમલાની આમા વ્યાપક નિંદા આજે કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદનને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.