મુંબઇ, તા. ૭
મુંબઇમાં ૧૯૯૩માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સંડોવણીમાં દોષિત ઠરાવ્યા બાદ ગેંગસ્ટર અબુ સલેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ વિસ્ફોટોમાં ૨૫૭ લોકોના મોત થયા હતા જ્યારે ૭૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અન્ય બે આરોપીઓ તાહિર મર્ચન્ટ અને ફિરોઝખાનને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે જ્યારે કરીમુલ્લાહખાનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
મહત્વપૂર્ણ ચુકાદાના ૧૦ મુદ્દા
૧. સ્પેશિયલ કોર્ટે અબુ સલેમ અને કરીમુલ્લાહખાનને બે-બે લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેઓને હત્યા, હથિયારો પુરા પાડવા અને અન્ય ગંભીર આરોપોના દોષિત ઠેરવાયા હતા. જુનમાં કોર્ટ દ્વારા છ લોકોને દોષિત ઠેરવાયા હતા.
૨. અબુ સલેમને ૨૦૦૫માં પોર્ટુગલથી પ્રત્યાર્પિત કરાયો હતો અને તેને પોર્ટુગલને અપાયેલી બાંહેધરીને કારણે મોતની સજા આપી શકાય તેમ નહોતું.
૩. મુસ્તફા ડોસા સહિત અબુ સલેમ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો જેને યુએઇમાંથી પ્રત્યાર્પિત કરવામાં આ વ્યો હતો. જુનમાં દોષિત જાહેર થયા બાદ ડોસા હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યો હતો.
૪. આ કેસમાં અન્ય આરોપીઓમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ હજુ પણ ભાગેડુ જાહેર છે.
૫. વર્ષ ૨૦૦૭માં આતંકવાદ નિવારણ કોર્ટે ૧૦૦ લોકોને દષિત ઠેરવ્યા હતા જેમાં બાદમાં ૨૩ને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
૬. આ કેસમાં અન્ય આરોપી યાકુબ મેમણને સુપ્રીમ કોર્ટે દ્વારા તેના મૃત્યુદંડની છેલ્લી અપીલ ફગાવી દેવાયાના અડધી રાતના ઐતિહાસિક ચુકાદા બાદ ૨૦૧૫માં ફાંસી આપી દેવામાં આવી હતી.
૭. ૧૨મી માર્ચ ૧૯૯૩માં ભારતની આર્થિક રાજધાની મુંબઇના વિવિધ વિસ્તારોમાં એક બાદ એક સતત ૧૩ ભયાનક વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટોમાં એર ઇન્ડિયા બિલ્ડીંગ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઝવેરી બજાર, હોટેલ સી રોક અને હોટેલ જુહુ સેન્ટોરને નિશાન બનાવાયા હતા. આ વિસ્ફોટોમાં ૨૭ કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન
થયું હતું.
૮. ગુજરાતમાંથી મુંબઇ સુધી હથિયાર પહોંચાડવાના આરોપી અબુ સલેમની ૨૦૦૨માં પોર્ટુગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને આમાં મુખ્ય આરોપીમાંથી એક તરીકે જોવામાં આવતો હતો.
૯. કોર્ટે કહ્યું કે, એ વાત સાબિત થઇ ગઇ છે કે, સલેમે સંજય દત્તને હથિયાર આપ્યા હતા જે તેના ઘરમાં એકે-૫૬ રાઇફલ, ૨૫૦ કારતૂસ અને ગ્રેનેડ રાખવા બદલ જેલની સજા કાપી ચુક્યો છે.
૧૦. કોર્ટે આ કેસમાં ૮૦૦થી વધુ સાક્ષીઓના નિવેદન લીધા હતા. સીબીઆઇ દ્વારા ઘણા વર્ષોથી ચલાવાતી તપાસ દરમિયાન અબુ સલેમ સહિત ત્રણે પોતાના ગુના કબૂલ કર્યા હતા.

 

મુંબઇ વિસ્ફોટ કેસ : અબુ સામાનથી
અબુ સલેમ, ડી-કંપનીનો વિશ્વાસુ
ડ્રાઇવર કેવી રીતે શંકાના ઘેરામાં આવ્યો
મુંબઇ, તા. ૭
૧૯૯૩ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં પ્રત્યાર્પિત કરાયેલા અબુ સલેમને કોર્ટે આજે આજીવન કેદની સજા સંભળાવી હતી. સલેમ સહિત કોર્ટે કરીમુલ્લાહખાનને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. ૨૪ વર્ષ પહેલા ૨૫૦ લોકોને ભરખી જનારા સિરિયલ બ્લાસ્ટમાં માસ્ટરમાઇન્ડ મુસ્તફા ડોસા સહિત છ દોષિતોને ટાડા કોર્ટે સજા સંભળાવી હતી. ૧૨મી માર્ચ ૧૯૯૩ના રોજ તેણે અભિનેતા સંજય દત્તના ઘરે હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડ્યા હતા.ડી કંપની નામે જાણીતા દાઉદ ઇબ્રાહીમની ગેંગમાં અબુ સલેમ અન્ય નામ અબુ સામાન નામે સામેલ થયો હતો. સલેમનું નામ સામાન ત્યારથી પડ્યું જ્યારે તે તમામ મોતનો સામાન સુરક્ષિત રીતે પહોંચાડી દેતો હતો, બાદમાં ગેંગમાં તેનું નામ ‘સામાન’ રાખવામાં આવ્યું હતું. તેથી જ તે જાન્યુઆરી ૧૯૯૩માં ગુજરાતથી મુંબઇ સુધી હેન્ડ ગ્રેનેડ, એસોલ્ટ રાઇફલો સહિતના મોતનો સામાન લાવવા માટે પ્રથમ પસંદગી હતો. ગેંગમાં દાઉદ ઇબ્રાહીમના નાના ભાઇ અનીસ ઇબ્રાહીમ જેટલો જ તે મહત્વપૂર્ણ હતો. તેણે સંજય દત્તના પાલિહીલ ખાતેના ઘરે હથિયારોને કોઇની શંકા થયા વિના પહોંચાડી દીધા હતા.
મુંબઇ સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલા નિવૃત્ત એસીપી શંકર આંબલે ટીમના મહત્વના સભ્ય હતા તેમણે સુચવ્યું કે, સલેમ અંડરવર્લ્ડ ક્રિમીનલ ડોઝિયરમાં ક્યારેય સામેલ ન હતો અને પોલીસે યોજના શોધી કાઢી ત્યાં સુધી એક મહિના બાદ પણ તે સિરિયલ બ્લાસ્ટનો શંકાસ્પદ નહોતો. એપ્રિલ ૧૯૯૩ના તપાસના ત્રીજા અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે અંધેરીમાંથી ડી-કંપનીના કેટલાક લોકોને પૂછપરછ માટે પકડ્યા હતા. કેટલાક સૂત્રો અનુસાર પોલીસના બાતમીદારોમાંથી જાણવા મળી ગયું હતું કે, આરડીએક્સને કાલા સાબૂન તરીકે ઓળખવામાં આવે છે. દાઉદ ગેંગના એક સાથી બાબા ચૌહાણે વટાણા વિખેરી નાખ્યા હતા. ચૌહાણનો પરિવાર અંધેરીમાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતો હતો જ્યારે તે પોતે પણ દાણચોરીમાં સામેલ હતો, કાંબલેએ તેની પાસેથી કેટલીક બાબતો મેળવી લીધી હતી. બાબાને સાવચેતીપૂર્વક ઉઠાવી લેવાયો અને પૂછપરછ કરાઇ હતી. બાબાને કારણે જ અન્ય આતંકવાદી યોજનાનો પર્દાફાશ થયો હતો અને તેને અંજામ અપાઇ શકાયું નહોતું. મારૂતિ ઓમની વાનમાં ગુજરાતમાંથી મુંબઇ સુધી મોતનો મસાલો લવાયો હતો. આ વાન સંજય દત્તના બંગલે જવાની હોવાથી શંકા ઓછી હતી.પરંતુ ફક્ત એજ કારણ નહોતું તેનો ડ્રાઇવર અબુ સલેમ હતો અને તેની સાથે અન્ય બે વ્યક્તિ હતા. જોકે, સંજય દત્ત, બાબા, સલીમ હિંગોરા, આરિફ કાદાવાલા અને અન્ય કેટલાકની ધરપકડ થતા સલેમ દિલ્હી ભાગી ગયો હતો. બાદમાં તે પોતાના ગૃહનગર આઝમગઢ અને ત્યાંથી દુબઇ રવાના થઇ ગયો હતો અને ત્યાં તે ડી-કંપનીના અન્ય વિભાગમાં જોડાઇ ગયો હતો. જોકે, તે વાનનો અત્યારસુધી કોઇ પત્તો મળ્યો નથી. ઘણા વર્ષો બાદ પોલીસને ટેલિફોનની શંકાને આધારે છોટા શકીલને શંકાના ઘેરામાં લીધો હતો.બાદમાં પુરાવા તરીકે જાણવા મળ્યું કે, વાનનો ડ્રાઇવર અબુ સલેમ આરોપી અબ્દુલ કય્યુમ નામે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.
૧૯૯૩ના સિરિયલ બ્લાસ્ટ રપ૭ લોકોને ભરખી ગયા હતા
(એજન્સી) તા.૭
મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં વિશેષ ટાડા અદાલતે અબુસાલેમ સહિત ૬ આરોપીઓને દોષી ઠેરાવ્યા હતા. આ દોષીઓમાં એક મુસ્તફા ડોસાનું મોત થઈ ગયું છે. પહેલાં સજા સંભળાવવાની તારીખ રર જૂન નક્કી થઈ હતી. ત્યારબાદ ૭ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટ કેસમાં ટાડાની સ્પેશિયલ કોર્ટે અબુસાલેમ, મુસ્તફા ડોસા, ફિરોઝ અબ્દુલ રાશીદખાન, તાહીર મર્ચન્ટ, કરીમુલ્લાહ અને રિયાઝ સિદ્દીકીને દોષી ઠેરાવ્યા હતા. જ્યારે અબ્દુલ કૈયુમને તમામ આરોપોમાંથી મુક્ત કરાયા હતા. આ કેસમાં વર્ષ ર૦૦૬માં સૌથી મોટો ચુકાદો આવ્યો હતો જ્યારે ૧ર૩ દોષીઓમાંથી ૧૦૦ને સજા સંભળાવવામાં આવી હતી અને ર૩ લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન યાકુબ મેમણને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી જેને વર્ષ ર૦૧પમાં જુલાઈ મહિનામાં ફાંસી આપી દીધી હતી. આ સિરિયલ બ્લાસ્ટમાં રપ૭ લોકો મોતને ભેટયા હતા જ્યારે ૭૧૩ લોકો ઈજા પામ્યા હતા.