વલસાડ, તા. ૧
ગુજરાત એટીએસની ટીમે મુંબઇ બ્લાસ્ટના આરોપીને પકડી પાડીને મોટી સફળતા મેળવી છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપી અહેમદ મોહમ્મદ લબુંને ગુજરાત એટીએસે ગુજરાતના વલસાડના દરિયાકાંઠેથી ધરપકડ કરી લીધી છે.
આ અંગે સુત્રોઓ જણાવ્યું છે કે, પકડાયેલ આરોપી લંબુ દાઉદ ઈબ્રાહિમની ઘણો નજીકનો સાથી છે અને તેણે આતંકવાદની તાલીમ પાકિસ્તાનમાંથી લીધી છે. ગુજરાત એટીએસએ ગુરુવારે મોડી રાત્રે ઑપરેશન દરમિયાન તેની ધરપકડ કરી લીધી છે. લંબુ અર્જૂન ગેંગનો સભ્ય હતો, જેમાં મુસાફિર ખાન, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન પણ શામેલ હોવાનું મનાય છે.
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સ્પેશિયલ ટાડા કોર્ટે મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં અબુ સાલેમ અને ૫ અન્યને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ દોષિતોમાં અબુ સાલેમ ઉપરાંત મુસ્તફા ડોસા, ફિરોઝ અબ્દુલ, રાશિદ ખાન, તહર મર્ચન્ટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા ખાન શામેલ છે. અબુ સાલેમને ષડયંત્ર રચવા અને આતંકવાદી ગતિવિધિઓ બદલ દોષિત માનવામાં આવ્યો છે. આ મામલામાં અબ્દુલ કય્યુમને કોર્ટે છોડી મૂક્યો હતો.
કોર્ટના ચૂકાદાના થોડા દિવસો બાદ મુસ્તફા ડોસાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયુ હતુ. ડોસા પર પણ હત્યા અને આતંકી ગતિવિધિઓનો આરોપ હતો, ત્યારે મુંબઇ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર એહમદ મોહમ્મદ લંબુને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ શોધી રહી હતી. આ દરમિયાન તેની ગતિવિધિ ગુજરાતના દરીયા કાંઠા વિસ્તારમાં હોવાની બાતમીને આધારે એટીએસએ આ અંગે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.
લંબુને પકડવા એટીએસની ટીમ છેલ્લા એકાદ માસથી વોચમાં હતી અને જેમાં બાતમીના આધારે બે દિવસથી એટીએસના અધિકારીઓએ વલસાડના ઉમરગામથી કોસંબા સુધીના દરિયાઇ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને આ દરમિયાન લંબુ આબાદ ઝડપા઼ઇ ગયો હોવાની વિગતો સુત્રો પાસેથી મળી છે.