અમેરિકનોને ધમકી આપી રૂા.પ૦૦ કરોડ ખંખેરવાના કૌભાંડમાં

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૧૦

દેશભરમાં ખળભળાટ મચાવનાર કોલ સેન્ટર રેકેટની તપાસના તાર અમદાવાદ સુધી  પહોંચ્યા છે. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ અમદાવાદનો ર૩ વર્ષનો યુવાન હોવાનું સામે આવતા થાણે ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે અમદાવાદ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પિનેકલ બિઝનેસ પાર્કમાં ચાલતા પાંચ કોલ સેન્ટર પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે થોડા સમય અગાઉ મુંબઈમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો ભેદ ઉકેલાતા અમેરિકન નાગરિકો પાસેથી અત્યાર સુધી પ૦૦ કરોડ ખંખેરી લીધા હોવાની શક્યતા સેવાઈ રહી છે.  મુંબઈમાં મીરા રોડ પર ચાલતા કોલ સેન્ટર દ્વારા અમેરિકનોને અહીં બેઠાં બેઠાં ધમકી આપવાનો રેકેટનો  ગત સપ્તાહે પર્દાફાશ થયા બાદ આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર રેકેટનો સૂત્રધાર ર૩ વર્ષનો યુવાન છોકરો સાગર ઠક્કર છે. છેલ્લા એક વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે, આરોપી સાગર ઠક્કર સહિત અન્ય ૯ અમદાવાદીઓના નામ ખૂલ્યા છે. જેમને પકડવા માટે થાણે ક્રાઈમ બ્રાંચની એક ટીમ અમદાવાદમાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી આરોપીઓને પકડવા માટેની  તજવીજ ચાલી રહી છે ત્યારે પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પિનેકલ બિઝનેસ સેન્ટરમાં ચાલતા પાંચ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે સાગર ઠક્કર તમામ કોલ સેન્ટર બંધ કરીને ફરાર થઈ ગયો છે. આ કેસમાં હાલ તો સાગર ઠક્કરની ધરપકડ કરવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે.  અમદાવાદના પોશ વિસ્તારમાં ચાલતા પચાસથી વધુ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રાતોરાત બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. થાણે  ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદમાં ધામા નાંખતા તમામ કોલ સેન્ટરોને બંધ કરી દેવાયા છે.

કોલ સેન્ટર રેકેટ ચલાવતા ર૩ વર્ષના છોકરાનું સાગર ઠક્કરે ઉર્ફે શેગી છે. તેના એક સાથીનું નામ તાપશ હોવાનું પણ બહાર આવ્યું છે. જે હજુ સુધી પોલીસ પહોંચથી દૂર છે. પોલીસના જણાવ્યા મુજબ ખૂબ જ યુવા વયે તે ભારતમાં બેસીને વિદેશીઓને છેતરવાનો માસ્ટર બની ગયો હતો. સૂત્રો મુજબ ઠક્કર દેશ છોડીને નાસી જવાનો હતો.