(એજન્સી) મુંબઇ, તા. ૧૫
દિલ્હી સહિત સમગ્ર દેશમાં કેન્દ્રના સંશોધિત નાગરિકતા કાયદો-સીએએ સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે અને વિરોધ કરનારાઓની સામે ગંભીર ગુનાઓ લગાવવના કિસ્સા બની રહ્યાં છે ત્યારે શાંતપૂર્ણ રીતે વિરોધ કરનારાઓને રાહત સમાન એક કેસમાં બોમ્બે હાઇકોર્ટે ઠરાવ્યું કે આ કાયદોનો વિરોધ કરનારાઓ દેશના ગદ્દાર કે દેશદ્રોહી નથી. કોઈપણ કાયદા સામે શાંતિપૂર્ણ વિરોધ કરનારઓને ગદ્દાર અથવા “દેશદ્રોહી” ન કહી શકાય. નાગરિકત્વ કાયદાનો વિરોધ એ માત્ર સરકાર સામેનો વિરોધ છે. બહુમતીના નામે મનમાની કરનારા શાસકો માટે બોધપાઠ સમાન એવા આ ચુકાદામાં પોલીસ-વહીવટી તંત્ર અને સરકારની ટીકા કરીને કોર્ટે એમ પણ અવલોકન કરતાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે ભારતના બંધારણમાં બહુમતીનો નિયમ નથી પરંતુ કાયદાનું શાસન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરકાર દ્વારા આ કાયદાનો વિરોધ કરનારાઓને ગદ્દાર કે દેશદ્રોહી જેવી ઘાતક કહી શકાય તેવી કલમો લગાડીને પકડવામાં આવી રહ્યાં છે તેવા સમયે કોર્ટનું આ અવલોકન સૂચક હોવાનું મનાઇ રહ્યું છે. શુક્રવારે જ સુપ્રીમ કોર્ટની એક બેંચ દ્વારા એજીઆર ટેલિકોમ કેસમાં કેન્દ્ર સરકારની ભારોભાર ઝાટકણી કાઢ્યા બાદ વધુ એક કોર્ટે કેન્દ્ર સરકારના પગલાઓ સામે એવી જ કડક ટિપ્પણી પસાર કરી હોવાનું મનાય છે.
કોઈપણ કાયદાની સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારાઓને ગદ્દાર કે દેશદ્રોહી કહી શકાય નહીં. આ વાત બોમ્બે હાઈકોર્ટે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનથી જોડાયેલી એક અરજીની સુનાવણી કરતી વખતે કહી છે. બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેંચે આ વાત નાગરકિતા કાયદાના વિરોધમાં પ્રદર્શન માટે પોલીસની પરવાનગી નહીં મળવાને કારણે દાખલ કરેલી એક અરજીની સુનાવણી દરમિયાન કહી છે. રિપોર્ટ અનુસાર, અમુક લોકોએ મહારાષ્ટ્રના માલજલગાંવના એક મેદાનમાં સીએએ-એનઆરસીના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાગની માગી હતી. પણ જિલ્લા તંત્રએ તેમને પરવાનગી આપી નહીં. પરવાનગી નહીં આપવા પાછળ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટએ જે આદેશ આપ્યો તેમાં બીડના એસપીનો તે રિપોર્ટનો પણ હવાલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આવા આંદોલનોને કારણે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે. ત્યારબાદ વિરોધ પ્રદર્શનની માગ કરનારાઓએ બોમ્બે હાઈકોર્ટમાં પોલીસના નિર્ણયને પડકારવા અરજી દાખલ કરી. સુનાવણી દરમિયાન બેંચે કહ્યું કે, આ રીતના આંદોલનોથી નાગરિકતા સંશોધન કાયદાની જોગવાઈઓની અવગણના કરવાનો કોઈ સવાલ પેદા થતો નથી. કોર્ટ પાસેથી આ લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાના અધિકાર પર વિચાર કરવાની આશા રાખવામાં આવે છે. નાગરિકતા કાયદાનો વિરોધ સરકારની સામે માત્ર એક વિરોધ પ્રદર્શન છે.
કોર્ટે કહ્યું, જ્યારે અમે આ રીતની કાર્યવાહી પર વિચાર કરીએ છે, ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક લોકતાંત્રિક ગણરાજ્ય દેશ છે અને આપણા બંધારણે આપણને કાયદાનું શાસન આપ્યું છે, નહીં કે બહુમતનું શાસન. જ્યારે આ રીતના કાયદા બનાવવામાં આવે છે, ત્યારે અમુક લોકોને વિશેષ કરીને મુસલમાનોને એવું મહેસૂસ થઈ શકે છે કે, આ કાયદો તેમના હિતના વિરોધનો છે. માટે આ રીતના કાયદાનો વિરોધ થવો જોઈએ. આ તેમની ધારણા અને વિશ્વાસનો વિષય છે. અને કોર્ટ તેમની ધારણા અને વિશ્વાસના ગુણમાં નહીં જઈ શકે.
જણાવી દઈએ કે, ઓરંગાબાદ બેંચે બીડ જિલ્લાના એડીએમ અને માલજલગામના સિટી પોલીસના બે આદેશોને પણ રદ્દ કરી દીધા છે. જેમાં પોલીસે એડીએમના આદેશનો હવાલો આપી વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી નહોતી. બેન્ચે કહ્યું કે, ભારતને આઝાદી તેવા આંદોલનોના કારણે મળી જે અહિંસક હતા અને અહિંસાનો આ માર્ગ આજે સુધી આ દેશ દ્વારા અપનાવાયો છે. અમે ભાગ્યશાળી છીએ કે આ દેશના મોટાભાગના લોકો હજુ પણ અહિંસામાં વિશ્વાસ કરે છે.
બેંચે કહ્યું, આ મામલામાં પણ અરજીકર્તા અને તેના સાથી પોતાનો વિરોધ નોંધાવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા ઈચ્છે છે. બેંચે આગળ કહ્યું કે, બ્રિટિશ કાળમાં અમારા પૂર્વજોએ સ્વતંત્રતા અને માનવ અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો અને તે આંદોલન પાછળની ફિલોસોફીથી આપણે આપણું સંવિધાન બનાવ્યું. આ કહી શકાય કે આ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ લોકો પોતાની સરકાર વિરૂદ્ધ આંદોલન કરી શકે છે અને માત્ર આ આધાર પર તેમના આંદોલનને દબાવી શકાય નહીં.