(એજન્સી) નાગપુર, તા.ર૧
બોમ્બે હાઈકોર્ટે અવલોકન કર્યું કે રેલીઓ અને જાહેરસભાઓ સેફટી વાલ્વની જેમ કાર્ય કરે છે અને પોલીસ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થશે એવી રજૂઆત સાથે જાહેરસભા યોજવા માટે પરવાનગી આપવા ઈન્કાર કરી નહીં શકે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ભીમ આર્મી દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું. ભીમ આર્મીને પોલીસે રેશિમબાગ મેદાનમાં રરમી ફેબ્રુઆરીએ રેલી યોજવા પરવાનગી આપવા ઈન્કાર કર્યો હતો. અરજદારે પોલીસના નિર્ણયને પડકારતા જણાવ્યું હતું કે, મૂળભૂત અધિકારોનો ભંગ ન કરી શકાય. જે મેદાનમાં રેલી યોજવા પરવાનગી માંગવામાં આવી હતી એ મેદાન રાષ્ટ્રીય સ્વયંભૂ સેવક સંઘના વડામથકની પાસે જ આવેલ છે. ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ રેલીને સંબોધવાના છે. જો કે, કોતવાલી પોલીસે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન જણાવી પરવાનગી આપવા ઈન્કાર કર્યો. હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું આવી રેલીઓ અને જાહેરસભાઓ સેફટી વાલ્વનું કાર્યકરે છે. કોઈપણ વાતને દબાવવું વધુ જોખમી છે. પોલીસે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, અરજદાર સંસ્થા સીએએ અને એનઆરસી સામે વિરોધ પ્રદર્શનો કરવા માગણી માટે પરવાનગી માંગી રહી છે. તેઓ એવા સ્થળે પ્રદર્શનો કરવા માંગે છે જે આરએસએસના વડામથક પાસે છે. પ્રદર્શનો યોજનાર સંસ્થાની વિચારધારા આરએસએસથી તદ્દન જુદી છે જેથી આ સ્થળે પ્રદર્શનો યોજવાથી કાયદો વ્યવસ્થા બગડવાની શક્યતા નકારી શકાય નહીં. એ માટે અમે પરવાનગી આપવા ઈન્કાર કર્યો હતો. જો કે, કોર્ટે નોંધ્યું કે, પોલીસ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉદ્દભવશે એના આધારે પરવાનગી આપવા ઈન્કાર નહીં કરી શકે. બેંચે કહ્યું કે, પોલીસે આ માટે કોઈ તપાસ રિપોર્ટ અથવા ઈન્ટેલિજન્સ રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે જેનાથી એમના દાવાને સમર્થન મળી શકે. પરવાનગી નહીં આપવાનો અર્થ મૂળભૂત અધિકારનો ઈન્કાર કરવો છે અને લોકશાહીમાં આ સ્વીકાર્ય નથી. કોર્ટે નોંધ્યું કે, પરવાનગી પ્રતિબંધો અને નિયંત્રણો સાથે આપી શકાય. બેંચે કહ્યું કે અમે શુક્રવારે આદેશ જાહેર કરીશું.