(એજન્સી) મુંબઇ,તા.૧૭
મુંબઇના ડોંગરીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃતાંક બુધવારે વધીને ૧૪ થઇ ગયો હતો જ્યારે ૧૦ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ અન્ય દટાયેલા લોકોને બહાર કાઢવા માટે કાટમાળને હટાવવાની કામગીરી ચાલુ છે. ફસાયેલા લોકોનો શોધવા માટે બચાવકર્મીઓ હવે સ્નિફર ડોગની મદદ લઇ રહી છે. બુધવારે સવારે બે વધુ મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ તબાહીના દૃશ્યો વચ્ચે બીએમસી અને એમએચએડીએ નક્કી કરી શકતા નથી કે, બિલ્ડિંગની જવાબદારી કોની છે. એવી દહેશત છે કે, હજુ પણ કાટમાળમાં ઘણા લોકો દબાયેલા છે જેમની શોધખોળ ચાલુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા તથા ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ આપવા તથા સારવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. ડોંગરીની ચાર માળની કેસરબાઇ બિલ્ડિંગમાં કુલ ૧૬ પરિવાર રહેતા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો હતી. આ બિલ્ડિંગ મંગળવારે સવારે ૧૧.૪૦ વાગે અચાનક ધરાશાયી થઇ હતી. ૧૦૦ વર્ષ જુની બિલ્ડિંગને બીએમસીએ ૧૯૯૦માં જોખમી ગણાવી હતી પણ બીએમસીએ તેના પર ધ્યાન આપ્યું ન હતું અને કોઇ કાર્યવાહી પણ કરી ન હતી. ગેરકાયદેસર બાંધકામ તોડવાની જવાબદારી બીએમસીની હતી. આશ્ચર્યની વાત એ છે કે, બીએમસીએ એક પણ વખત તેના તરફ ધ્યાન આપ્યું નથી. જ્યારે બીએમસી તેને એમએચએડીએની સેસ બિલ્ડિંગ ગણાવે છે. બિલ્ડિંગ જર્જરિત હોવાના સંદર્ભમાં સ્થાનિક નિવાસીઓએ ૨૦૧૭માં જ ફરિયાદ કરી હતી.

મુંબઈમાં ધ્વસ્ત થયેલી ઈમારતનો કોઈ માલિક નથી

(એજન્સી) તા.૧૭
મુંબઈમાં ધ્વસ્ત થયેલી ઈમારતમાં ૧૨ લોકો દટાઈને મૃત્યુ પામ્યા પણ હવે આ ઈમારતની માલિકી અંગે મૂંઝવણની સ્થિતિ પેદા થઇ છે. આ ઈમારતનો સાચો માલિક કોણ છે તેના વિશે મુંઝવણની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કેસરબાઈ બિલ્ડિંગ એકાએક ધસી પડી હતી. આ ઈમારતના જે ટ્રસ્ટીઓ છે અને ટેનન્ટ્‌સ છે તે બધા ગેરકાયદેસર છે એવા અહેવાલ મળી રહ્યાં છે. બીએમસી દ્વારા મુંબઈમાં ૪૯૯ ઈમારતોને જોખમી અને રહેવાને લાયક ન હોવાની જાહેરાત કરાઇ છે જ્યારે મ્હાડા દ્વારા ૨૪ ઈમારતોને જોખમી જાહેર કરવામાં આવી છે. ડોંગરીમાં તાંડેલ સ્ટ્રીટમાં એક ખાનગી ટ્રસ્ટની ગ્રાઉન્ડ પ્લસ બે માળની કેસરબાઇ ઈમારત ૮૦ વર્ષથી વધુ જૂની છે. આમ છતાં થોડા સમય પહેલાં તેમાં બે માળ ગેરકાયદેસર બાંધવામાં આવ્યાં હતાં. એ વિશે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જૂની ઈમારત હોવા છતાં કરોડો રૂપિયા કમાવા મ્હાડા અને મહાપાલિકાના અમુક અધિકારી સ્થાનિક નગરસેવક અને વિધાનસભ્ય સાથે કુંડળીમાં ગોળ ભાંગીને ગેરકાયદેસર ઈમારતોને છાવરી રહ્યાં છે. મુંબઈમાં ઉપકરપ્રાપ્ત ૨૩ ઈમારતો અતિજોખમી જાહેર કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે તે ખાલી કરવા માટે નોટિસો મોકલવામાં આવી છે. આમ છતાં તેમાંનાં ૩૦૦ જેટલાં કુટુંબોએ હજુ ઘર ખાલી કર્યાં નથી. દર વર્ષે મ્હાડા ચોમાસા પૂર્વે જૂની અને જર્જરિત ઈમારતોનું સર્વેક્ષણ કરે છે અને તે રહેવાલાયક છે કે નહીં તેની તપાસ કરે છે. તેમાં આ ૨૩ ઈમારત અતિજોખમી જણાઈ હતી. ૨૩ અતિજોખમી ઉપકર પ્રાપ્ત ઈમારતમાં ૫૦૭ રહેવાસી અને ૩૦૮ અનિવાસી મળી ૮૧૫ ગાળા છે. તેમાં ૧૯૭ ગાળાધારકો ટ્રાન્ઝિટ કેમ્પમાં જતા રહ્યા છે, જ્યારે ૩૦૦ નિવાસી ભાડૂતોની વ્યવસ્થા કરાશે. દરમિયાન મ્હાડાએ તારદેવમાં ૨૪ કલાક ચાલુ રહેનાર કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે.ડોંગરીમાં દુર્ઘટનાગ્રસ્ત કેસરબાઇ ઈમારતને મહાપાલિકાએ બે વર્ષ પૂર્વે એક નોટિસ આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઓફિસર દ્વારા અપાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે ઈમારતમાં બીજા માળે રૂમ નંબર ૨૬માં રહેતા એમ.એન. દામાણીએ એક આરટીઆઇ અરજી કરીને સવાલ પૂછ્યો હતો કે શું આ ઈમારતને ૩૫૩-બી અંતર્ગત કોઇ નોટિસ આપવામાં આવી છે. આ પછી દામાણીએ મહાપાલિકાની ઓફિસની મુલાકાત લીધી હતી અને ઈમારત જર્જરિત થઇ ગઇ હોવાની ફરિયાદ કરી હતી. એ પછી મહાપાલિકાએ ૩૫૩-બી અંતર્ગત માલિક અને આ ઈમારતના રહેવાસીઓને નોટિસ આપી હતી. આ નોટિસમાં કેસરબાઈ ઈમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરાવીને મહાપાલિકાને નિયત સમયમર્યાદામાં આપવા જણાવાયું હતું. ડોંગરી ઈમારત દુર્ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્ય સરકારે હવે જોખમી ઈમારતનો ક્લસ્ટર પદ્ધતિથી પુનઃવિકાસ કરવા માટે કાયદો લાવવાનું નક્કી કર્યું છે. બુધવારે ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જોખમી ઈમારતોનો કયાસ મેળવ્યો હતો. મુંબઈમાં જે ઈમારતો તૂટી પડવા આવી છે તેમના ક્લસ્ટર કરીને અને પુનઃવિકાસના બધા અવરોધો દૂર કરવા માટે મજબૂત કાયદો લાવવાના નિર્દેશ મુખ્ય મંત્રીએ આ સમયે આપ્યા હતા. આવી ઈમારતોનો પુનઃવિકાસ મ્હાડાના માધ્યમથી કરીને હાલમાં જે રહેવાસીઓ આવી ઈમારતોમાં રહે છે તેમના નિવાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેમ જ તેવું નહીં કરી શકાય તો બે વર્ષનું ભાડું આપવું અને રિટ જ્યુરિસ્ડિકશન બાદ કરતાં અન્ય બધા કાયદા વિષયક અવરોધો દૂર કરવા એવી નક્કર જોગવાઈ કરવાના નિર્દેશ પણ મુખ્ય મંત્રીએ આપ્યા હતા.