(એજન્સી) મુંબઇ, તા. ૩૧
મંુંબઇના ભીંડી બજાર પાસે આવેલા ડોંગરીમાં વહેલી સવારે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થતા આશરે ૨૧ લોકોનાં મોત થયા હતા જ્યારે ઘણાં ઘાયલ થયા હતા. ઘણા લોકો કાટમાળની અંદર ફસાયા હોવાને કારણે બચાવ કામગીરી પણ પુરજોશમાં હાથ ધરવામાં આવી હતી. કાટમાળમાંથી ૧૨ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે ઘાયલ થયેલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઘવાયેલાઓમાંથી હજુ પણ કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું અને ઇમારતના કાટમાળમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
દરમિયાન વડાપ્રધાન મોદીએ મુંબઇમાં ધરાશાયી થયેલી ઇમારતમાં મોતને ભેટેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવતા ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટિ્‌વટર પર આ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોતને ભેટેલાઓના પરિવારજનો સાથે મારી સંવેદનાઓ છે અને ઘાયલો સારા થાય તેવી મારી કામના છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મૃત્યુ પામેલાઓ માટે રૂપિયા પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલાં લેવા બાંહેધરી પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લઇ તેની તપાસના આદેશ આપ્યા હતા.
અહેવાલો અનુસાર ભીંડિ બજારમાં આવેલી પાકમોડિયા સ્ટ્રીટની ઇમારતને પુનઃનિર્માણના કામ માટે પસંદગી કરવામાં આવી હતી જ્યારે તેમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ તેના ચોથા માળે કેટલાક પરિવારો હજુ પણ રહેતા હતા. ઇમારતનું કામ ચાલુ જ હતું ત્યારે સવારે ૮ઃ૩૦ વાગે ઇમારત અચાનક ધડાકા સાથે ધસી ગઇ હતી. ઇમારત ધરાશાયી થયા બાદ એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમોએ બચાવકાર્ય હાથ ધર્યું હતું.
મુંબઇના ઝોન-૧ના ડીસીપી ડો. મનોજ શર્માએ જણાવ્યું હતું કે, કાટમાળમાંથી ત્રણ લોકોને જીવિત બહાર કઢાયા હતા, અમે અન્ય લોકોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ, અંદર કેટલા લોકો ફસાયા છે તેની ચોક્કસ માહિતી અમારી પાસે નથી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી હુસૈની બિલ્ડીંગમાં આશરે નવ પરિવારો હજુ પણ રહેતા હતા. કેટલાક અહેવાલોમાં એમ પણ જણાવાયું હતું કે, સવારે બિલ્ડિંગમાં બાળકો માટે આંગણવાડી પણ ચાલી રહી હતી પરંતુ ઘટના સવારની હોવાથી બાળકો હજુ આવ્યા નહોતા તેથી મોટી જાનહાનિ ટળી ગઇ હતી. જો કે, આ અંગેની કોઇ સત્તાવાર જાણકારી મળી નહોતી. ૧૧૭ વર્ષ જૂની ઇમારતમાં છ ગોડાઉનો પણ હોવાનો ખુલાસો થયો હતો. જોકે છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદને પગલે આ ઇમારત ધસી ગઇ હોવા અંગે સત્તાવાર અહેવાલો આવ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં ગત મંગળવારે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું અને મોટાપાયે નુકસાન થયું હતું. ૨૯મી ઓગસ્ટે ફક્ત મુંબઇ શહેરમાં જ આશરે ૩૦૦ મીમી જેટલો વરસાદ ખાબકી જતા મુંબઇગરાઓને ૨૬મી જુલાઇ ૨૦૦૫ના ભારે પૂરની તબાહીના દૃશ્યો યાદ આવી ગયા હતા. વરસાદની સિઝન પહેલાં બીએમસીએ ૭૯૧ ઇમારતોને સૌથી ભયજનક સ્થિતિમાં હોવાનું જણાવ્યું હતું. આ યાદીમાં હુસૈની બિલ્ડિંગનો સમાવેશ થતો હતો કે, નહીં તેની જાણ હજુ થઇ શકી નહોતી.
મુંબઇમાં ભારે વરસાદ બાદ વરવાં દૃશ્યો સર્જાયાં, કેટલાક લોકોના કારમાં જ મોત થયાં

મુંબઇ,તા. ૩૧
ભારે વરસાદ બાદ મુંબઇમાં સ્થિતિમાં હવે સુધારો થઇ રહ્યો છે. જો કે ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતી સર્જાયા બાદ હવે ખોફનાક ચિત્ર ઉપસી રહ્યુ છે. મંગળવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઘરે પહોંચી શક્યા ન હતા. કેટલાક લોકો લાપતા થઇ ગયા હતા. આ આફતના વરસાદમાં કોઇનુ કારમાં મોત થયુ હતુ, કોઇ લાપતા થઇ ગયા હતા. ભારે વરસાદ બાદ હજુ સુધી છ લોકોના મોત થઇ ચુક્યા છે અને સાત લોકો લાપતા થયેલા છે. જ્યારે મંગળવાર બાદથી ૧૧ લોકો લાપતા થયેલા છે. ભારે વરસાદના કારણે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. મુંબઇમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાનો ખતરો તોળાઇ રહ્યો છે. ૧૩ ઇંચથી વધુ વરસાદ થયા બાદ અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને હાથ ધરવા માટે શેરીઓમાં બીએમસીના ૩૦ હજાર કર્મચારીઓ લાગેલા છે. આશરે ૧૩ ઇંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે ૨૬ સ્થળો ઉપર વરસાદ ૧૦ ઇંચથી વધુ વરસાદ થયો હતો. મુંબઈમાં જનજીવન સામાન્ય બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણેચાલી રહી છે. બીચ, જાહેર રસ્તાઓને સ્વચ્છ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. ૫૦૦૦ મેટ્રિકટન કચરાનો નિકાલ કરાયો છે. અન્ય કચરા અને કાદવ કિચડને દુર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
મુંબઇની ઇમારત ધરાશાયી થવા અંગે દાઉદના ભાઇએ કહ્યું, વિસ્ફોટ જેવો અવાજ આવ્યો, ધૂળની ડમરીઓ ઊડવા લાગી

મુંબઇમાં હુસૈની બિલ્ડિંગ ધરાશાયી થતા વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમના નાના ભાઇ ઇકબાલ કાસકરે જણાવ્યું હતું કે, પાંચ માળની બિલ્ડિંગ પડતા વિસ્ફોટ જેવો અવાજ આવ્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. દક્ષિણ મુંબઇના ભીંડી બજારમાંની શેરીઓમાં આવેલી ઇમારત વહેલી સવારે ધસી પડી હતી. આ ઇમારતની નજીકમાં જ રહેતા કાસકરે જણાવ્યું કે, ઇમારત પડી ત્યારે હું ધરમાં જ હતો અને અવાજ સાંભળી ઉઠી ગયો હતો. તેનો અવાજ વિસ્ફોટ જેવો હતો અને બાદમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. હું તરત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાસકરે એક મરાઠી ચેનલને જણાવ્યું હતું કે, અમને એવું લાગ્યું કે, અમારી ઇમારત ધ્રૂજી રહી છે. ઉપરના માળે કોઇ રહેતું નહોતું પરંતુ કેટલાક કામદારો રહેતા હતા. આ ઇમારત રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બંને પ્રકારની હતી.