મુંબઇ, તા. ૨૯
મધ્ય મુંબઇની એક ઇમારતમાં આવેલી પબમાં જન્મદિવસના ઉત્સવ દરમિયાન અડધી રાત બાદ ભીષણ આગ ફાટી નીકળતા ૧૧ મહિલાઓ સહિત કુલ ૧૫ લોકોના મોત થઇ ગયા હતા. આના કારણે આ ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા. આ ઘટના અંગે રાજકાણ પણ શરૂ થઇ ગયું હતું. બીએમસીમાં સત્તાધારી શિવસેના અને ભાજપ વચ્ચે આરોપ પ્રતિઆરોપ લગાવવાનું શરૂ થઇ ગયું હતું. આ ઉપરાંત લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો જેમાં ભાજપના સાંસદ કિરીટ સોમૈયા અને શિવસેનાના અરવિંદ સાવંત આમને-સામને આવી ગયા હતા. ઘટના બાદ બીએમસીએ પાંચ નગર નિગમ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.
કમલા મિલ્સ દુર્ઘટનાના ૧૦ મુદ્દા
૧. ઘટના લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડની બે રેસ્ટોરન્ટમાં આગને કારણે સર્જાઇ હતી. ઘટનામાં નવો ખુલાસો પણ થયો હતો કે, રેસ્ટોરન્ટમાં આગને કાબૂમાં લેવા માટે કોઇ સાધનો જ નહોતા. આ સાથે જ ઇમરજન્સી દરવાજા પાસે કેટલોક સામાન મુકેલો હતો જેના કારણે તે ખુલી શક્યો નહોતો અને શ્વાસ રૂંધાવાને કારણે મોટાભાગના લોકોના મોત થયા હતા.
૨. બેદરકારીના આરોપમાં પોલીસે રેસ્ટોરન્ટના માલિક વિરૂદ્ધ ઇરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે અને ઘટનામાં મોતનો આંકડો પણ વધવાની દહેશત વ્યક્ત કરી છે.
૩. ઘટનામાં મોતને ભેટનારાઓમાં ૧૧ મહિલાઓ જ્યારે ૪ પુરૂષોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો ૨૨થી ૩૦ વર્ષની વય વચ્ચેના હતા. ઘટનામાં કુલ ૧૨ લોકો ઘવાયા હતા.
૪. આ આગ ગુરૂવારે રાતે ૧૨.૩૦ કલાકની આસપાસ કમ્પાઉન્ટની બે રેસ્ટોરન્ટમાં લાગી હતી. આ એટલી ભીષણ હતી કે, ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ અને છ વોટર ટેન્કરને આગ પર કાબૂ મેળવવા માટે બે કલાકથ વધુ સમય લાગ્યો હતો.
૫. જ્યારે આગ લાગી ત્યારે રેસ્ટોરન્ટમાં એક બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી અને આશરે ૫૦ લોકો રેસ્ટોરન્ટમાં હાજર હતા.
૬. કમલા મિસ્લ કમ્પાઉન્ડમાં ઘણી કોર્પોરેટ ઓફિસો ઉપરાંત ઘણી ન્યૂઝ ચેનલોની ઓફિસો પણ છે. આગને કારણે કેટલીક ન્યૂઝ ચેનલોનું પ્રસારણ કેટલાક કલાકોસુધી અટકી પડ્યું હતું.
૭. મુંબઇની કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આગનો મુદ્દો લોકસભામાં પણ ઉછળ્યો હતો ભાજપના સાંસદ કિરીટ સોમૈયા અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત વચ્ચે ચળભળ થઇ હતી. સાવંતે આ મામલે ન્યાયિક તપાસનો આદેશ આપવાની માગ કરી હતી જ્યારે સોમૈયાએ કહ્યું કે, આ ઘટનામાં બીએમસીના અધિકારીો જવાબદાર છે. બે અઠવાડિયામાં આ બીજી ઘટના સર્જાઇ છે.
૮. સપાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે, તેઓ કમલા મિલ્સ ગયા છે અને તે ગલીઓવાળો વિસ્તાર છે. અહીં ઘણી નાની લાઇનો છે અને તેમાં બેદરકારી થઇ હોઇ શકે છે.
૯. બીએમસીના મેયર વિશ્વનાથ મહાદેશ્વરે કહ્યું કે, ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. જે પણ દોષિત હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
૧૦. સામાજિક કાર્યકર મંગેશ કાલસ્કરે કહ્યું કે અમે કમલા મિલ્સ પરિસરના ગેરકાયદે માળખા અંગે બીએમસીમાં ઘણીવાર ફરિયાદ કરી છે પરંતુ તેમણે કાંઇ પણ ગેરકાયદે નહીં હોવાનો જબાવ વાળ્યો હતો.

ઇમરજન્સી દરવાજો ન ખૂલવાને કારણે લોકોના શ્વાસ રૂંધાયા અને…

મુંબઈમાં કમલા મિલ કમ્પાઉન્ડમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનામાં ૧૫ લોકોના મોત થઇ જતાં સનસનાટી મચી ગઈ છે. રેસ્ટોરન્ટમાં જે લોકો ફસાઈ ગયા હતા તે બહાર નિકળી શક્યા ન હતા. બચાવ કાર્યમાં સામેલ રહેલા ફાયરમેનનું કહેવું છે કે, તમામ ૧૫ મૃતદેહ એક બાથરુમમાંથી મળી આવ્યા છે. માનવામાં આવે છે કે, લોકોએ અહીંથી જ નિકળવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આગળ એક સીડી સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી જેથી તેમને બચવાની તક મળી ન હતી. આ ઇમારતમાં અધિકારીઓએ કાર્યવાહી કરીને ઓગસ્ટ મહિનામાં એક શેડને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. જો કે, રેસ્ટોરન્ટના અન્ય એક માલિકે તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું. આગ ઉપર કાબૂ મેળવવા ત્રણ કલાક લાગ્યા હતા. બે ફાયરમેન સીડીઓનો ઉપયોગ કરીને નીચે પહોંચ્યા હતા અને ૩૦ લોકોને બચાવી લીધા હતા. પોલીસે એક અબવ રેસ્ટોરન્ટની સામે કલમ ૩૦૪ હેઠળ કેસ દાખલ કર્યો છે.

કમલા મિલ્સ દુર્ઘટના બાદ BMCના પ અધિકારીઓને બરતરફ કરાયા
મધ્ય મુંબઈમાં કમલા મિલ્સ પરિસરમાં આવેલા મોજો પબમાં આગ લાગવાને કારણે ૧પ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બાદ રેસ્ટોરન્ટના માલિક પર બિન ઈરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બીએમસીના પાંચ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનાની તપાસ માટે બીએમસી કમિશનરને આદેશ આપવામાં આવ્યા છે. તેઓ ૧પ દિવસની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે.

ખુશ્બૂએ મોતથી મિનિટો પહેલાં જ કેક કાપી હતી

ખુશ્બુ મહેતાએ આગની ઘટનાથી મિનિટો પહેલા જ જન્મદિવસની કેક કાપી હતી. ૨૮માં જન્મદિવસની ઉજવણી કરી હતી. ૨૮માં જન્મદિવસની ઉજવણી અંતિમ ઉજવણી બની જશે તેમ કોઇને ખબર ન હતી. જન્મદિવસ પર ખુશ્બુએ મુંબઈના કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત એક અબવ રેસ્ટોરન્ટમાં પાર્ટી રાખી હતી. તમામ મિત્રો અને સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઇને ખબર ન હતી કે, કેક કાપ્યાના મિનિટો બાદ જ જન્મદિવસની ઉજવણી મોતના માતમમાં ફેરવાઈ જશે. ખુશ્બુ ઉર્ફે ખુશીએ ૧૨ વાગે કેક કાપી હતી. મિનિટો બાદ જ આગ ફાટી નિકળી હતી જેમાં ખુશ્બુ અને તેના મિત્રોનું મોત થયું હતું.