(એજન્સી) મુંબઇ, તા. ૯
મુંબઇમાં ચોમાસાના આગમન સાથે જ શનિવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રેન તથા વિમાની સેવા ખોરવાઇ હતી. આશરે ૨૦ જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટક મોડી પડી હતી જ્યારે એકને રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૨ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ મોડી છે જ્યારે બેને રદ કરાઇ હતી. લોકલ ટ્રેનો સવારથી જ ૧૫-૨૦ મિનિટ મોડી ચાલી રહી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સવારે વરસાદે પગલે ટ્રેક પર એક દિવાલ પડી હતી જોકે, તેને વહેલી તકે હટાવી લેવાઇ હતી જેના કારણે થોડા સમય માટે લોકસ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવાથી આ અંતર સર્જાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતંું કે, મુંબઇમાં રવિવારે પણ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મુંબઇના ઘણા માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાણીમાં ફસાઇ ગયેલા દ્વિચક્રી વાહનવાળા લોકોના ફોટા તરતજ સોશિયલ મીડિયા પર વાઇરલ થવાના શરૂ થઇ ગયા હતા.દક્ષિણ મુંબઇમાં કામ કરવા જવા માટે એલ્ફિન્ટસ્ટન રોડ માર્ગ સૌથી મહત્વનો છે પરંતુ લોકોએ ફરિયાદ કરી હતી કે, ભારે પાણી ભરાઇ જવાને કારણે તેઓ ત્યાં જઇ શકતા નથી.
૨. મુંબઇ પોલીસે લોકોને કહ્યું છે કે, જરૂરી હોય તો જ વાહન લઇને બહાર નીકળવું. વરસાદમાં તમારી સુરક્ષાના આધારે વાહન ચલાવો આ સાથે જ પોલીસે એક ફોટો પણ ટિ્‌વટ કર્યો હતો જેમાં દક્ષિણ મુંબઇના પરેલમાં એક રોડ પર ગાડી ઊંધી વળેલી દેખાડાઇ હતી.
૩. ભારતનું સૌથી ધનાઢ્ય કોર્પોરેશન બીએમસીએ જ્યાં પણ પૂરની સ્થિતિ સર્જાય ત્યાં પોતાના કર્મીઓને મોકલવાની વ્યવસ્થા કરી હતી. તેણે શાળા તંત્રોને પણ કહ્યું હતું કે તેના દ્વાર ખુલ્લા રાખે જેથી શરણ માગતા લોકોને આશરો મળી શકે. આ દરમિયાન બીએમસીના તમામ કર્મચારીઓની રજાો રદ કરી દેવામાં આવી છે.
૪. મુંબઇના વરસાદે પગલે ભારતીય નેવીને તૈયાર રાખવામાં આવી છે જ્યાં પણ રાહત અને બચાવ માટે બોલાવવામાં આવશે ત્યારે તે તરત જ પહોંચી જાય તેવી રીતે તૈયારી કરી રાખી છે. સત્તાવાળાઓએ કહ્યું કે, તેઓ પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી ભરાયા છે.
૫. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે, વર્ષ ૨૦૦૫માં મુંબઇમાં જે પૂરની સ્થિતિ હતી તેના કરતા પણ વધુ ભયાનક સ્થિતિ આ વર્ષે રહેવાની સંભાવના છે. તે વખતે ઘણા લોકો પાણી વચ્ચે શહેરમાં ફસાયા હતા જ્યારે ઘણા તો આખો દિવસ ચાલીને પોતાના ઘરે પહોંચ્યા હતા.
૬. મુંબઇના સ્થાનિક હવામાન કેન્દ્રે જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત આઠમી જુનથી થઇ ગઇ છે જ્યારે નવમી જૂને વધુ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ પડી રહ્યો હોય તેવા સમયે લોકોને બહારના બિનજરૂરી કામો પડતા મુકવા કહેવાયું છે
૭. માછીમારોને પણ દરિયામાં વધુ દૂર સુધી ન જવા ચેતવણી આપવામાં આવી છે. એનડીઆરએફની ત્રણ ટીમો પરેલ, માનખુર્દ અને અંધેરી સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ ખાતે પહેલાથી જ ગોઠવાઇ દેવાઇ છે. તેમને વોકી ટોકી અને પૂરના સામાનથી સજ્જ કરાયા છે.
૮. ખાનગી હવામાન ચેતવણી આપતા સ્કાયમેટે કહ્યું કે, વરસાદનો ઝોક રવિવારે સાંજ સુધી ઓછો થાય તેવો અંદાજ છે. જોકે, રવિવારે પણ વહેલી સવારથી મોડી રાત સુધી નાના મોટા ઝાપટાં પડવાની આશંકા છે. સવારે વરસાદ કદાચ બેથી ત્રણ કલાકનો વિરામ લઇ શકે છે પરંતુ બપોર બાદ ફરી શરૂ થાય તેવી સંભાવના છે.
૯. કાંઠાળા કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે અઠવાડિયા પહેલા જ કર્ણાટકના મેંગ્લુરૂમાં અચાનક ભારે વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
૧૦. કર્ણાટકના પાસેના રાજ્ય ગોવાના તમામ બીચો પર પ્રવાસીઓ માટે લાલ ઝંડીઓ મુકી દેવામાં આવી છે જે ઉંડાણમાં નહીં જવા માટે ચેતવે છે. વરસાદ દરમિયાન દરિયામાં કૂદવા અને તરવા સામે મનાઇ ફરમાવાઇ છે. શુક્રવારે જ ગોવામાં ભારે વરસાદ પડ્યો હતો.