(એજન્સી) મુંબઇ, તા. ૧૯
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સામે ગુજરાત, દિલ્હી, આસામ, બિહાર, બંગાળ અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરવા માટે મુંબઇના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પણ વિરોધ પ્રદર્શન કરવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. મુંબઇના ક્રાંતિ મેદાન ખાતેથી ૧૯૪૨માં મહાત્મા ગાંધીએ તે વખતના બ્રિટિશ શાસકોને ‘ભારત છોડો’ કહ્યું હતું. ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં ગુરૂવારે સાંંજે ચાર વાગ્યાથી સીએએ સામે વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. ફિલ્મ સ્ટાર્સ, વિદ્યાર્થીઓ અને હસ્તીઓથી માંડીને રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદી-શાહથી આઝાદી જેવા સૂત્રોચ્ચારો કરીને પોતાના અવાજમાં રોષ સાથે પોતાના હાથ ઉંચા કરીને હજારો વિરોધ પ્રદર્શનકારીઓએ ગ્રાન્ટ રોડ ખાતે આવેલા મેદાન તરફ કૂચ કરી હતી. ગુરૂવારે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં ૧૯૪૨માં આ મેદાનમાં યોજવામાં આવેલી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ (ભારત છોડો આંદોલન)માં ભાગ લેનાર નામાંકિત ૯૪ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની જીજી પરિખ પણ ઉપસ્થિત રહ્યા હતા.