(એજન્સી) તા.૧૧
બહારના લોકો માટે મુંબઇનો સૌથી મહત્વાકાંક્ષી મેટ્રો રેલવે પ્રોજેક્ટ ૩૩.૫ કિ.મી. ભૂગર્ભીય મેટ્રો-૩ પ્રોજેક્ટ અનેક વચનો અને તકો આપતો જણાય છે. દ.મુંબઇમાં કોલાબાથી લઇને સીપર્ઝના ઉત્તરીય પરા સુધી મેટ્રો લાઇનનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે જેની પાછળનો હેતુ આ ફાટ ફાટ થતા મહાનગરમાં રેલવે અને માર્ગ પરનું દબાણ હળવું કરવાનો છે.
પરંતુ મેટ્રો-૩ રુટ પર રહેતા ઘણા મુંબઇના નાગરિકો માટે રુ.૨૩૧૩૬ કરોડનો આ પ્રોજેક્ટ એક દુઃસ્વપ્ન પુરવાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટના નિર્માણ સામે તેનું કાર્ય ૨૦૧૫માં શરુ થયું ત્યારથી નાગરિક સમૂહો તરફથી તેનો કાનૂની વિરોધ થઇ રહ્યો છે. હવે તેમાં દ.મુંબઇના પારસી ઝોરોસ્ટ્રીયન સમુદાય પણ જોડાયો છે. આ સમુદાયના સભ્યોએ તેમના પવિત્ર ફાયર ટેમ્પલ હેઠળ ટનલ બનાવવા સામે મુંબઇ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
૨૩ મે,ના રોજ સુનાવણી દરમિયાન અદાલતે મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આ મામલામાં પારસી સમુદાયને સાંભળવા આદેશ કર્યો છે. ધાર્મિક લાગણી દુભાવવાનો આ એક વિરોધ છે પરંતુ મેટ્રો-૩ સામે ૨૦૨૧ સુધીમાં નિર્માણ કાર્ય પૂરુ કરવાનો એક મોટો પડકાર છે કારણ કે તેના રુટ પરના નાગરિકોએ વિસ્થાપન અને પુનર્વસન, તેની ઇમારતોની સુરક્ષા, ધ્વનિ પ્રદૂષણ, વૃક્ષ છેદન અને પર્યાવરણના ધોરણોના ઉલ્લંઘનની ફરિયાદ કરી છે. ખાસ કરીને ત્રણ કેસમાં નાગરિકો મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અને તેના મેટ્રો-૩ પ્રોજેક્ટ સામે કોર્ટમાં ગયા છે. કફે પરેડમાં પ્રોજેક્ટના કારણે સ્થાનિક પાર્કના ડઝન જેટલા વૃક્ષો કાપવા સામે ફેબ્રુ.૨૦૧૭માં આ વિસ્તારના રહેવાસીઓએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. ત્યારબાદ કફે પરેડના એક અન્ય પિટિશનર વકીલ રોબિન જયસિંગાનીએ કોર્પોરેશન સામે એક બીજો કેસ દાખલ કર્યો છે. તેમણે મશીનરીના જોરદાર અવાજ સામે કોર્ટમાં રજૂઆત કરી છે અને તાજેતરમાં પારસી સમુદાયે પણ ઉપર જણાવ્યા મુજબ પિટિશન દાખલ કરી છે. મેટ્રો-૩ રુટના ઉત્તરીય છેડે જંગલનો પર્યાવરણ સંવેદનશીલ આરેં વિસ્તાર આવ્યો છે કે જેની સામે આ વિસ્તારમાંથી વિરોધ થયો છે. પર્યાવરણવિદોના મતે આરે વિસ્તારમાં ૪ લાખ વૃક્ષો, સરોવરો, બગીચાઓ, ગૌશાળાઓ વગેરે આવેલ છે અને અહીં ૨૭ જેટલા આદિવાસી ગામો પણ છે જેમના ભાવિ અંગે અનિશ્ચિતતા ઊભી થઇ છે. પ્રાજપુરના આંગણવાડી સહાયક અને પિટિશનર આશા બોએએ પણ આરે વિસ્તારમાં જમીન સંપાદન વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. આમ પારસીથી લઇને આદિવાસીઓ તમામ હવે મુંબઇના મેટ્રો પ્રોજેક્ટ સામે પડ્યા છે.