(એજન્સી) મુંબઇ, તા. ૧૬
મુંબઇના ડોંગરીના ગીચ વિસ્તારમાં મંગળવારે ૧૦૦ વર્ષ જુના ચાર માળની ઇમારત ધરાશાયી થતા સાત લોકોના મોત થયા હતા જ્યારે ૪૦થી ૫૦ લોકો હજુ પણ કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. ડોંગરીની અબ્દુલ હમીદ દરગાહ પાસેની ટંડેલ સ્ટ્રીટમાં આવેલી કેસરબાઇ બિલ્ડિંગ પરથી એકદમ સાંકડી જગ્યામાંથી નાનકડા બાળક સહિત સાત લોકોનો જીવતા બહાર કઢાયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ કહ્યું હતું નાના બાળકની સ્થિતિ હાલ સ્થિર છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, જે લોકો ફસાયેલા છે જેમને બચાવવાની કામગીરી પર હાલ સત્તાવાળા ધ્યાન આપી રહ્યા છે અને બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણો અંગે બાદમાં તપાસ હાથ ધરવામાં આવશે. ફડનવીસે વધુમાં કહ્યું કે, આ બિલ્ડિંગ ૧૦૦ વર્ષ જુની હતી. આ જોખમી ઇમારતોની યાદીમાં સામેલ ન હતી.તેના વિકાસ માટે ડેવલપરની નિમણૂંક કરવામાં આવી હતી. ડેવલપર દ્વારા આ કામમાં કોઇ ખામી રહી છે કે નહીં તેની અમે તપાસ કરીશું.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ ૧૦૦ વર્ષ જુની ઇમારત ધરાશાયી ધવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાહત કામમાં જોતરાયેલી છે. દટાયેલા લોકોને બચાવવા માટે હાલ એનડીઆરએફની મોટી ટીમો ઘટનાસ્થળે છે. સાંકળી ગલીઓવાળા વિસ્તારમાં બનેલી ઘટનાથી બચાવ કાર્યમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે જ્યારે કેટલાક દિવસ પહેલા જ મુંબઇમાં પડેલા ભારે વરસાદને કારણે ઇમારતો જર્જર બની થઇ ગઇ છે. સાંકળી ગલીઓને કારણે એમ્બ્યુલન્સ અને ફાયર ટ્રકો ઘટનાસ્થળની નજીક પહોંચી શકતા નથી અને શેરીઓમાં પ્રવેશી શકે તેમ નથી. ઇમારત ધરાશાયી થવાની ઘટનાને નજરે જોનારા બાળકે કહ્યું કે, અમે ધડાકાભેર અવાજ સાંભળ્યો હતો. લોકોની ચીચીયારીઓ સંભળાતી હતી. ‘‘ઇમારત પડી છે, ઇમારત પડી રહી છે’’, હું દોડ્યો ત્યારે એવું લાગતું હતું કે કોઇ મોટો ભૂકંપ આવ્યો હોય. અન્ય એક નજરે જોનારા સાક્ષીએ કહ્યું કે, ઇમારતમાં સાતથી આઠ પરિવારો રહેતા હતા.
દરમિયાન સત્તાવાળાઓએ આ ઘટનાને લેવલ-૨ની ગંભીરતા ગણાવી છે જ્યારે લેવલ-૧ અત્યંત ગંભીર રીતે ઇમારત ધરાશાયી થઇ હોય ત્યારે આપવામાં આવે છે. સાંકળી શેરીઓ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પણ બચાવમાં જોડાયા હતા અને એક લાઇન બનાવી કાટમાળ હટાવવામાં એનડીઆરએફની સમાંતર મદદમાં પહોંચી ગયા હતા. ડોંગરીમાથી એક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર પોતાને લાઇવ કરીને આરોપ લગાવ્યો હતો કે, મુંબઇ કોર્પોરેશન લોકોના મકાનોના રિપેરિંગ કામ માટે પરવાનગી આપવાનું કામ ઘણી ધીમી ગતિમાં કરી રહ્યું છે. મેં પોતે પણ ઘણીવાર પરવાનગી માટે અરજી કરી હતી પણ બીએમસીએ ઘણો વિલંબ કર્યો છે. જો તેઓએ પરવાનગી આપી દીધી હોત તો આ વિસ્તારની ઇમારતો ભયજનક સ્થિતિમાં આવી ન હોત. અમે તેમની પરવાનગીની રાહ જોવા માગતા નથી. અમે અમારાપોતાના નાણાથી રિપેરિંગ કામ કરાવી લઇશું. બાંગ્લાદેશના ઢાકા બાદ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા મુંબઇમાં ઇમારતોની સલામતી સૌથી મોટી સમસ્યા છે તેમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જણાવ્યું હતું. મે માસમાં બીએમસીએ દેશના આર્થિક તથા ફિલ્મી પાટનગરમાં ૪૯૯ ઇમારતોની સ્થિતિ ભયજનક ગણાવી હતી જે સંખ્યા ગયા વર્ષે ૬૧૯ હતી.

મૃતકોના નામ
(૧) સાબિયા નિશાર શેખ (રપ)
(ર) અબ્દુલ સત્તાર કાલુ શેખ (પપ)
(૩) મુઝમ્મીલ મન્સુર સલમાની (૧પ)
(૪) સાયરા રેહાન શેખ (રપ)

ઘાયલોના નામ
(૧) ફિરોઝ નાઝીર સલમાની (૪પ)
(ર) આઈશા શેખ (૩)
(૩) સલમા અબ્દુલ સત્તાર શેખ (પપ)
(૪) અબ્દુલ રહેમાન (૩)
(પ) નાવેદ સલમાની (૩પ)
(૬) ઈમરાન હસૈન કલવાનિયા (૩૦)
(૭) જાવીદ (૩૦)
(૮) ઝીનત (રપ)

ડોંગરીની ઈમારત ૨૦૧૨માં જ તોડી પાડવી જોઇતી હતી, દુર્ઘટના બાદ સરકારે બિલ્ડર પર આરોપ મઢ્યો

ચોંકાવનારા ખુલાસામાં મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન ઉદય સામંતે કબૂલાત કરી છે કે, મુંબઇમાં ધરાશાયી થયેલી ચાર માળની ઇમારતને ૨૦૧૨માં તોડી પાડવાની જરૂર હતી. ડોંગરીની સાંકળી શેરીઓમાં કેસરબાઇ ઇમારત આવેલી છે જે મંગળવારે સવારે ૧૧.૪૦ ધરાશાયી થતા ૫૦થી વધુ લોકો કાટમાળમાં દટાયા હતા. રત્નાગીરી-સંગમેશ્વરના ધારાસભ્ય પદે પણ ચાલુ રહેલા સામંતે કહ્યું કે, બિલ્ડિંગ ૧૦૦ વર્ષ જુની હતી. આ ઇમારત એમએચએડીએના હસ્તક હતી અને એક પ્રાઇવેટ બિલ્ડરને તોડવાનું કામ અપાયું હતું. આ અંગે આકરા પગલાં લેવાશે, કોઇને પણ છોડાશે નહીં. ડેવલપર અને અમારા અધિકારીઓએ કામ જોવું જોઇતું હતું. ૨૦૧૨માં બિલ્ડરને સમારકામ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું ન હતું. આ એમએચએડીએ હેઠળની ઇમારત હતી કોર્પોરેશનની નહીં. કોર્પોરેશને ૨૦૧૭માં આ બિલ્ડિંગને ખાલી કરવાની નોટિસ આપી હતી. જોકે, ૨૦૧૯ની બીએમસીની ગંભીર ઇમારતોની યાદીમાંથી આ બિલ્ડિંગનું નામ ગુમ થઇ ગયું હતું. હવે ઇમારત ધરાશાયી થઇ ત્યારે બીએમસી અને એમએચએડીએ એકબીજાને ખો આપી રહ્યા છે.

મુંબઈ બિલ્ડિંગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈમાં બનેલી દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ડોંગરીમાં બનેલી ઇમારત દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતી છે. જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે.પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આશા કરે છે કે ઘાયલો વહેલી તકે ઠીક થઇ જાય. મહારાષ્ટ્ર સરકાર, એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર સતત લોકોની મદદ માટે કામ કરી રહ્યું છે. મુંબઇની ઘટના મામલે ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર ટિ્‌વટ કરીને પોતાની લાગણી બતાવી હતી. અમિત શાહે ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, મુંબઈનાં ડોંગરી વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના ઘણી દુઃખદ છે. ઘાયલ થયેલા પરિવારો અને ઇજાગ્રસ્ત લોકો વહેલી તકે આરોગ્યપ્રદ બને તે માટેની પ્રાર્થનાઓ સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરૂં છું. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

મુંબઇમાં ભૂતકાળમાં સર્જાયેલી કરૂણાંતિકાઓની યાદી

મંગળવારે મુંબઇના ડોંગરીમાં ૧૦૦ વર્ષ જુની ઇમારત ધરાશાયી થતા આશરે ૫૦ લોકો દટાયા હોવાની દહેશત સેવાઇ રહી છે. બીએમસીના પાપે મુંબઇમાં ઇમારતો ધરાશાયી થવાની ઘટના આ પહેલી નથી આ પહેલા પણ ઘણા એવા બનાવો બન્યા છે જેમાં બીએમસીની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.
એપ્રિલ ૨૦૧૩ : થાણેમાં બિલ્ડિંગ ધરાશાયી થતા ૭૪નાં મોત થયા હતા
૪ એપ્રિલ ૨૦૧૩ના રોજ થાણેના લોકો પર કુદરતે કાળો કેર વર્તાવ્યો હતો. શહેરમાં એક ઇમારત ધરાશાયી થવાથી ૭૪ લોકો મોતને ભેટ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં ૧૮ બાળકો હતા. ઘટનામાં ૬૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ ઇમારત સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે ધ્વસ્ત થઇ હતી. તેનું કામ ચાલુ હતું ત્યારે જ બિલ્ડિંગ પડી હતી. કામ ચાલુ હોવા છતાં બિલ્ડરે પરિવારોને રહેવાની પરવાનગી આપી દીધી હતી.
સપ્ટેમ્બર ૨૦૧૭ : મુંબઇના મઝગાંવમાં ઇમારત ધ્વસ્ત થતા ૬૧નાં મોત
મુંબઇના ભિંડી બજારમાં સપ્ટેમબર ૨૦૧૭માં પાંચ માળનીઇમારત ધ્વસ્ત થતા ૩૩ લોકોનાં મોત થયા હતા. હુસૈની બિલ્ડિંગ ૧૧૭ વર્ષ જુની હતી. આ કાળમુખી ઘટના બકરી ઇદના દિવસે જ બની હતી.
ડિસેમ્બર ૨૦૧૮ : ગોરેગાંવમાં ઇમારત પડતાં ત્રણનાં મોત
એક નિર્માણાધીન ઇમારત ગોરેગાંવમાં ૨૦૧૮માં પડી હતી જેમાં ત્રણ લોકોના મોતથયા હતા જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ કરૂણાંતિકા વિખ્યાત આઝાદ મેદાન પાસે બની હતી.
ડોંગરી દુર્ઘટનામાં ઉનાના બે વ્યક્તિનાં મોત
નાલિયા-માંડવી ગામના મૂળ વતની આગેવાન તેમજ તેમની પુત્રવધૂનું મોત, પત્ની ઘાયલ

ઉના-મુંબઇ ખાતે આવેલ ડોંગરી ટંડેલ ગલીમાં વર્ષો જૂની કેસરબાઇ બિલ્ડીંગ ધરાશાયી થતાં ૫૦થી વધુ લોકો ઇમારતમાં દબાઇ જતાં તેમને બચાવવાની કામગીરી શરૂ હોય આ અકસ્માતમાં મૃત્યુઆંક ચાર થયેલ હોવાનુ બહાર આવેલ છે. જેમાં બે વ્યક્તિ મૂળ ઊના તાલુકાના હોય અને સસરા, પુત્રવધૂના મોતથી સમગ્ર ઊના તાલુકાના મુસ્લિમ સમાજ અને નાલિયા-માંડવી ગામમાં શોકનું મોજું ફરી વળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનાના સમાચાર મળતા અર્ધુ નાલિયા-માંડવી તેમજ ઊના-દીવમાં વસતા મુસ્લિમ આગેવાનો, સગા સંબંધીઓ તાત્કાલીક મુંબઇ જવા રવાના થયા છે. અને આવતી કાલે તેમના અંતિમ સંસ્કારમાં પહોેંચી રહ્યા છે.
નાલિયા-માંડવી ગામના મૂળ વતની સતારભાઇ સુમરા તેમજ તેમના પુત્રવધૂનું મોત બિલ્ડીંગ પડતા થયેલ છે. કેસરબાઇ બિલ્ડીંગના ચોથા માળે આ મુસ્લિમ અગ્રણી તેમજ તેમનો પરિવાર ફ્લેટમાં રહેતો હતો. અને વર્ષોથી ત્યાં સ્થળાંતર થયેલા સતારભાઇ સુમરા સામાજીક રીતે સેવાકીય કાર્યકર્તા અને નાલિયા-માંડવી અને ઊના તાલુકાના તમામ વર્ગના લોકોને આર્થિક સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક કાર્યમાં મદદરૂપ બની નાના મધ્યમ લોકોના સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી તેમના માટે કાયમી ઉભા રહેતા. આ અકસ્માતની ઘટનામાં તેમનું તેમજ પુત્રવધૂનું મોત થયાના સમાચાર મળતાની સાથે તેમના સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળના લોકો મુંબઇ જવા તાત્કાલીક રવાના થયા છે. અને મુંબઇની ઘટનાથી સમગ્ર નાલિયા-માંડવી ગામ શોકમય બની ગયુ છે. અકસ્માતની ઘટનામાં સતારભાઇ સુમરાના પત્નીને પણ ગંભીર ઇજા પામેલ છે. અને તેમના બે પુત્રનો કુદરતી બચાવ થયેલ છે. સતારભાઇ સુમરાના પુત્રવધૂ પણ ઊનાના મૂળ વતની અને મુંબઇમાં વસતા મુસ્લિમ આગેવાનની દિકરી થતી હોય તેમના પરિવારમાં પણ અરેરાટી મચી ગઇ છે. આમ મુંબઇ બિલ્ડીંગ અકસ્માતની ઘટનામાં ઊનાના નાલિયા-માંડવી ગામના મુસ્લિમ અગ્રણી અને તેમના પુત્રવધૂના કરૂણ મોતથી સમગ્ર ઊના તાલુકાના મુસ્લિમ સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.