National

મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવેબ્રિજ પર નાસભાગમાં ૨૨નાં મોત

મુંબઇ, તા. ૨૯
મુંબઇમાં પરેલ સેન્ટ્રલ રેલવેને પશ્ચિમ રેલવે સાથે જોડતા એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર ભારે ગરદીને કારણે નાસભાગ મચતાં ૨૨ લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૯ લોકો ઘવાયા હતા. ઇજાગ્રસ્ત લોકોને પરેલની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર ઇજાગ્રસ્તોમાં કેટલાક લોકોની હાલત ગંભીર ગણાવાઇ હતી. શુક્રવારે સવારે બનેલી ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુંબઇમાં નાસભાગને કારણે જો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. જે લોકો ઇજાગ્રસ્ત છે તેમના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. આ ઘટના સવારે ૧૦.૧૫ કલાકની આસપાસ બની હતી જે સમય સૌથી વધુ વ્યસ્ત હોય છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ શુક્રવારે મુંબઇમાં જ હતા જ્યાં તેઓ નવરાત્રી અને દશેરાના તહેવારોના ઉપક્રમે મુંબઇ મહાનગરમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડતા ૧૦૦ ઉપનગરીય સ્ટેશનોની જાહેરાત કરવાના હતા. જોકે, આ કાર્યક્રમ હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને રેલવે મંત્રી નાસભાગની ઘટનાની માહિતી મેળવવા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
રેલવે પ્રધાન પિયુષ ગોયલે પશ્ચિમ રેલવેના મુખ્ય સુરક્ષા અધિકારીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની તપાસની જાહેરાત કરી હતી. દરમિયાન સિંગાપુરની સત્તાવાર મુલાકાતે ગયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મુખ્ય સચિવ સુમિત મલ્લિક અને મુંબઇના પોલીસ કમિશનર દત્તા પડસાલગિકર સાથે વાત કરી હતી અને પ્રાથમિકતાના આધારે સ્થિતિને સંભાળવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડનવીસે મોતને ભેટેલાઓના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતર અને ઇજાગ્રસ્તોની મફત સારવારની જાહેરાત કરી હતી. મુંબઇના મેયર પ્રોફેસર વિશ્વનાથ મહાદેશ્વરે ઘટનાસ્થળની મુલારાત લીધા બાદ જણાવ્યું હતું કે, આ ઘણી કમનસીબ ઘટના છે. કિંગ એડવર્ડ મેડીકલ હોસ્પિટલના વરિષ્ઠ ડો. પ્રવીણ બાંગરને ટાંકતા મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, અત્યારસુધી કરૂણાંતિકામાં ૨૨ લોકોના મોત થયા છે. ઘટનાને પગલે પશ્ચિમ રેલવેના અધિકારીઓ, રેલવે પોલીસ અને આરપીએફના જવાનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

અતિવ્યસ્ત સમયે ભારે વરસાદથી
બચવા લોકો બ્રિજ પર એકઠા થઇ ગયા
એલ્ફિન્સ્ટન નાસભાગ માટેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું પરંતુ મુંબઇમાં સવારે અચાનક ભારે વરસાદ ચાલુ થયો હતો. વરસાદને પગલે ફૂટ ઓવરબ્રિજ પર ભારે પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ત્યાંથી પસાર થવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું હતું કે, બ્રિજ પર સ્થિતિ એવી હતી કે ભારે વરસાદને પગલે ફૂટ ઓવરબ્રિજ પર ગરદીને પગલે ઘણા લોકો ભારે ભીડને નીચેથી જ જોઇ રહ્યા હતા. કેટલાક લોકો દ્વારા ઓવરબ્રિજ પર થયેલી નાસભાગના મોબાઇલ વીડિયો પણ વાઇરલ કરાયા હતા જેમાં દેખાઇ રહ્યું હતું કે, બ્રિજ લોકોથી ખચોખચ ભરાઇ ગયું હતું અને ઘણા લોકો તો ભારે ગરદીને પગલે બ્રિજ પરથી નીચે કૂદી રહ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ પણ જણાવ્યું હતું કે, નીચે કૂદી ગયેલા લોકોને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિજ પડવાની કોઇ ઘટના બની નહોતી. દરમિયાન નજરે જોનારા સાક્ષીઓએ એમ પણ જણાવ્યું હતું કે, વરસાદથી બચવા ઓવરબ્રિજ પર ભેગા થયેલા લોકો વરસાદ રોકાતા એકીસાથે જવા લાગતા આ ઘટના સર્જાઇ હતી. એવી પણ અફવા ફેલાઇ હતી કે, ઇલેકટ્રીક શોર્ટ સર્કીટની અફવા ફેલાતા નાસભાગ મચી હતી. પોલીસે એવું કહ્યું હતું કે, કોઇકે એવી અફવા ફેલાવી દીધી હતી કે, બ્રિજ જર્જરીત થઇ ગયો હોવાને કારણે પડી જશે જે બાદ નાસભાગ મચી હતી. કેટલાક લોકો ઉતાવળે ભાગવા જતા દુર્ઘટના સર્જાઇ હતી.

મુંબઇ કરૂણાંતિકા માનવ સર્જિત : સોનિયા, રાહુલે પણ સંવેદના વ્યક્ત કરી
મુંબઇના એલ્ફિન્સ્ટન રોડ રેલવે ઓવરબ્રિજ પર સર્જાયેલી કરૂણાંતિકાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા માનવસર્જિત ત્રાસદી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, જો રેલવેએ સંગઠિત યોજના ઘડી સુરક્ષાનું ધ્યાન રાખ્યું હોત તો આવી દુર્ઘટના ટાળી શકાઇ હોત. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે તેમણે સહાનુભૂતિ દર્શાવી હતી અને ઘાયલો વહેલી તકે સારા થાય તેવી કામના કરી હતી. દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષરાહુલ ગાંધીએ પણ મૃતકો પ્રત્યો સંવેદના વ્યક્ત કરી હતી. રાહુલે ટિ્‌વટ કરી કહ્યું હતું કે, મારી સંવેદના પીડિતોના પરિવારજનો સાથે છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે આશા છે કે, રેલવે અધિકારીઓ અને સ્થાનિક તંત્ર ઝડપથી રાહત કાર્ય ચલાવી ઘાયલોને સારવાર પુરી પાડવામાં મદદ કરશે. તેમણે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા અને જવાબદારી નક્કી કરવા પણ માગ કરી હતી. સોનિયા ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને પણ આહ્‌વાન કરતા જણાવ્યું હતુ કે, તેઓ મૃતકોના પરિવારજનોને સહાયતા પહોંચાડવા માટે મદદ કરે.
મુંબઇ બ્રિજ દુર્ઘટના અંગે પત્ર, અસંખ્ય ટિ્‌વટ્‌સે ચેતવણી આપી હતી
સુરેશ પ્રભુએ શિવસેનાના સાંસદને બ્રિજના નવીનીકરણની બાહેધરી આપી હતી
મુંબઇમાં બ્રિટિશ કાળથી બનેલા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટના અંગે કેટલાક સવાલો ઉઠવા પામ્યા છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી ઘણી ટિ્‌વટ્‌સ કરી વર્ષો પહેલા આ કરૂણાંતિકા અંગે સંકેત અપાઇ ચૂક્યા છે. અગાઉના રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શિવસેનાના સાંસદની ફરિયાદને પગલે એલ્ફિન્સ્ટન બ્રિજના નવીનીકરણની બાહેધરી આપી હતી. અગાઉ ૨૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ શિવસેનાના સાંસદે તે સમયના રેલવે મંત્રી સુરેશ પ્રભુને એક પત્ર લખી રેલવે બ્રિજ પહોળો કરવાની માગ કરી હતી. પત્રનો જવાબ આપતા રેલવે મંત્રીએ કહ્યું હતું કે, બ્રિજનું કામ કરાવવા માટે હાલ રેલવે પાસે ફંડ નથી અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી પણ તેના માટે જવાબદાર છે. આ પત્ર શિવસેનાના સાંસદ રાહુલ શિવાલેએ લખ્યો હતો. જ્યારે અન્ય શિવસેના સાંસદ અરવિંદ સાવંતે રેલવે મંત્રીને સંબોધતા ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ એક પત્રમાં ફરી એકવાર બ્રિજ પહોળો કરવાની માગણી કરી હતી. એક ટીવી ચેનલને તેમણે જણાવ્યું હતું કે, તેમણે રેલવે મંત્રી ઉપરાંત સંસદમાં પણ આ મુદ્દો રજૂ કર્યો હતો પરંતુ આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો નહોતો. જેથી આ મામલે સરકારની ઉદાસિનતા જવાબદાર ગણાવીને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સરકાર વિરૂદ્ધ માનવ વધની ફરિયાદ નોંધી રેલવે સામે પણ કેસ કરવાની માગ કરી હતી.

એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન નાસભાગની
ઘટનાની રાહ જોઇ રહ્યું હતું !!!
છેલ્લા બે દશકોથી મુંબઇનો પહેલાનો મિલનો જિલ્લો ગણાતો પરેલ વિસ્તાર હાલ ઓફિસ હબ બની ગયો છે. ટેક્ષટાઇલની ફેક્ટરીઓ હવે ઊંચી ઇમારતોમાં ફેરવાઇ ગઇ છે. વિસ્તાર હવે બેંકો, મીડિયા કોર્પોરેશન, રિટેલ કંપનીઓમાં પરિવર્તિત થઇ ગયો છે. આ વિસ્તારમાં હવે લાખો ઓફિસ કર્મીઓ અવર જવર કરતા દેખાય છે અને તેમાંથી મોટાભાગના લોકો પશ્ચિમ અને મધ્ય રેલવે ઉપનગરીય ટ્રેનનો ઉપયોગ કરે છે. પરંતુ વિસ્તારમાં આ મોટા પરિવર્તન અંગે ભારતીય રેલવેને કોઇએ જાણ કરી નહોતી. મધ્ય રેલવે પર પરેલ અને કરે રોડ સ્ટેશન આવેલા છે અને પશ્ચિમ રેલવે પર એલ્ફિન્સ્ટન રોડ તથા લોવર પરેલ સ્ટેશન આવેલા છે. ૨૦મી સદીના પ્રથમ ભાગમાં રેલવેના પ્રથમ તબક્કા દરમિયાન આ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. તે સમયે આ વિસ્તારમાં મિલો અને ચાલીઓનો દબદબો હતો. આ સ્ટેશન વધુ લોકોની જાળવણી કરી શકે તેમ નહોતું. જ્યારે ૧૯૯૦ના દાયકામાં વિસ્તારમાં પરિવર્તન થવા લાગ્યા ત્યારે રેલવે અને શહેરના તંત્રે બીજો માર્ગ અપનાવ્યો. જેના કારણે સ્ટેશન હવે વધુ લોકોથી ઉભરાવા લાગ્યું અને વધુ ખતરારૂપ બની ગયું. પરેલ અને એલ્ફિન્સ્ટન રોડ પરના પેસેન્જરો જ આ સ્થળે મોટી દુર્ઘટના સર્જાશે તેવા સંકેત આપી દેતા હતા. છેલ્લા દશકોથી પરેલ સ્ટેશનના નવીનીકરણની વાતો થતી હતી પરંતુ અમલ નહીં. ઘણી ઓફિસોની વચ્ચે કચરાના ઢગલા અને નાના ધાર્મિક સ્થળોએ ડેરો જમાવ્યો છે. જેના કારણે લોકો માટે પસાર થવા માટે આ બ્રિજ જ ઉપયોગમાં લેવાતો હતો. લોકો માટે નવા બ્રિજનું નિર્માણ ચાલુ હતું પરંતુ તેનું કામ ધાર્યા કરતા ધીમંું થઇ રહ્યું હતું. લોકોની ભીડને સંભાળવા માટે વ્હીસલ સાથે ફક્ત બે કોન્સ્ટેબલોને રાખવામાં આવ્યા હતા તે જ સ્ટેશનની ભયાનકતા કહી જાય છે. આ દરમિયાન એલ્ફિન્સ્ટન રોડ અને પ્રભાદેવી સ્ટેશન વચ્ચેનું કામ ચાલું હતું. આ ગંભીર બેદરકારી બદલ વરિષ્ઠ અધિકારીઓને સજા થવી જ જોઇએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.