હિંમતનગર, તા. ૯
વડાલીમાં રહેતાં એક પરણીત તથા બે બાળકના પિતા યુવકે થોડા દિવસ અગાઉ યુવતીને ગમે તે કારણસર લગ્નના ખોટા પ્રમાણપત્ર બનાવીને લગ્ન કરી લીધા બાદ તેઓ બંને ભાગી ગયા હતા. જે અંગે ખબર પડતા સમગ્ર જિલ્લામાં મામલો ચકચારી બની ગયો છે. ત્યારે એલ.સી.બી.એ આ યુવક યુવતીને મુંબઈથી પકડી લઈ હિંમતનગરની વાટ પકડી લીધી છે. જેથી તેઓને સોમવારે મોડી રાત સુધીમાં લવાઈ દેવાય તેવું મનાઈ રહ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, વડાલીના પરણીત મુસ્લિમ યુવકે હિન્દુ જૈન યુવતી સાથે લગ્ન કરી લીધાની જાણ થતા ખાસ કરીને વડાલીમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વડાલીમાં ધામા નાખીને કોમી એખલાસ ડહોળાય નહીં તે માટે તરત જ પગલાં લઈને મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા આ યુવતીને તેના પરિવારને બે દિવસ સોંપી દેવાની આપેલી હૈયાધારણ બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્યારબાદ પોલીસે આ યુવક યુવતીનો ભૂતકાળ તપાસી શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસને આ યુવક-યુવતી મુંબઈ ભાગી ગયા હોવાનું જાણવા મળતાં તરત જ એલસીબી ટીમે મુંબઈ જઈને બંનેને બાતમીને આધારે પકડી લીધા હતા અને સોમવારે એલસીબીની ટીમ તેમને લઈ હિંમતનગર આવવા રવાના થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ ન હોવાને કારણે પોલીસ તંત્ર આ સંવેદનશીલ મુદ્દે કેવી રૂખ આપનાવે છે તે જોવું રહ્યું.