મુંબઇ, તા. ૮
દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્‌માં ભારે વરસાદના કારણે આજે ફરી એકવાર હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદના કારણે ફરી એકવાર જનજીવન સંપૂર્ણપણે ખોરવાયુ ગયુ છે. આંતરરાષ્ટ્રીય સેવા પણ ખોરવાઇ ગઇ છે. ચર્ચગેટ, બાન્દ્રા અને મીરા રોડ ખાતે સૌથી વધારે વરસાદ થયો છે. વરસાદના કારણે અંધેરી સબ બે અને સાકીનાકા ખાતે મેટ્રો સ્ટેશન પર પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં હાલમાં છેલ્લા કેટલાક દશકોમાં સૌથી વધારે વરસાદ થયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં ૨૫થી વધુ લોકોના મોત થયા હતા. અને અનેક લોકો ઘ થયા હતા. આજે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ ખાતેથી અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. અતિ ભારે વરસાદની ચેતવણી હજુ પણ જારી કરવામાં આવી છે. જો કે, બીએમસીમાં કોઇ રજા જાહેર કરવામાં આવી નથી. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. આજે ભારે વરસાદના કારણે ગોવંડીના શિવાજીનગર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઇ જતા આઠ લોકો ઘાયલ થયા હતા. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતી રહી હતી. જેના કારણે લોકોને ઓફિસ જવામાં તકલીફ પડી હતી. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મુંબઇમાં ચારેબાજુ વરસાદ થઇ રહ્યો છે. મુંબઇ ઉપરાંત થાણે, પાલઘર અને ઉત્તર કોકણમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હજુ ભારે વરસાદ જારી રહી શકે છે. જેથી હાલમાં લોકોને તકલીફનો સામનો કરવાની ફરજ પડી શકે છે.

શહેરના બંધોમાં પાણીની સપાટીમાં વધારો : હવામાન વિભાગે આ અઠવાડિયા દરમ્યાન મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

(એજન્સી) તા.૮
ભારતીય હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મુંબઈ સહિતના ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર વિસ્તારમાં આ અઠવાડિયા દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂણેમાં હવામાન વિભાગના વડા અનુપમ કશીપાઈએ જણાવ્યું હતું કે સાયકલોનિક સરકયુલેશનના કારણે અરબસાગરમાંથી મોટા જથ્થામાં ભેજ ઠલવાઈ રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ૧૧ જુલાઈ કોંકણ, ગોવા, અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આવેલા બંધોના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદના કારણે તેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તેમઘર (૧૯૦ મી.મી.) અને પાનશેટ (૧૦૦ મી.મી.) બંધો નજીક આવેલા વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાકમાં અતિભારે વરસાદ પડયો હતો.