(એજન્સી) મુંબઈ, તા.૬
મુંબઈમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં સોમવારે સવારે ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ પર ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ હિંસાની વિરુદ્ધ સુત્રોચ્ચારો પણ કર્યા હતા. આની પહેલા રવિવારે રાતે જેએનયુના વિદ્યાર્થીઓ સાથે એકજુટતા દેખાડવા વિદ્યાર્થીઓએ મીણબત્તીઓ જલાવી હતી. મુંબઈના વિવિધ કોલેજોના મોટાભાગના વિદ્યાર્થીઓ તાજ મહેલ હોટલની પાસે ભેગા થયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આ તાત્કાલિક બોલાવવામાં આવેલ કૂચ હતી. બપોરે આઝાદી અને ઈંકલાબ ઝીંદાબાદના સૂત્રોચ્ચારોથી ગેટ વે ઓફ ઇન્ડિયા ગુંજી ઉઠ્યો હતો. ઘટના થયા બાદ સતત સૂત્રોચ્ચારો થઈ રહ્યા હતા. રવિવારે રાતે જેએનયુમાં થયેલ હિંસા મામલે હજારો લોકોએ સ્વયંભૂ રીતે ગેટ વે ઑફ ઇન્ડિયાને બાનમાં લીધો હતો. સૌપ્રથમ કૂચની ઘોષણા ’વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ નામના નાગરિક સમુહથી થઈ હતી. મોડી રાતે ન્યુઝ શૅર કરતા લખ્યું કે, બધા લોકો, ગૃહિણીઓ, શિક્ષકો અને અભિનેતાઓ પ્રદર્શનમાં સામેલ થાવ અને ત્યારબાદ કૉમેડિયન કુણાલ કામરા અને અભિનેત્રી નંદિતા દાસ, મોનીકા ડાંગરા અને સુશાંત સિંહ રાજપૂત પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.