(એજન્સી) મુંબઈ, તા.૩૧
શનિવારે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક સગીરે પાંચમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તપાસ કરી રહેલી પોલીસે એવી આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આ સગીર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી બ્લુ વ્હેલ સ્યુસાઈડ ચેલેન્જ ગેમનો ભોગ બન્યો હોઈ શકે છે, કે જેમાં સંવેદનશીલ સગીર બાળકો પોતાની જાતને મારી નાખવા માટે પ્રેરિત થાય છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસને આ સગીરના મોબાઈલમાંથી એવા કોઈ નક્કર પુરાવાઓ મળ્યા નથી તથા આ બાળકના માતા-પિતા પણ તેમનો બાળક આવી કોઈ બાબત સાથે સંકળાયેલો હોય તેનાથી અજાણ હોવાનું માલૂમ થયું છે. જો કે, તે સગીરના વ્હોટ્‌સએપ ગ્રુપ પર તેની આત્મહત્યા વિશે ચેટ કરી રહેલા તેના મિત્રો દ્વારા તેના મોતનું રહસ્ય ઉકેલવાની કોઈ કડી મળી શકે છે.
બ્લુ વ્હેલ ચેલેન્જ એક એવી રમત છે, જેમાં સોશિયલ મીડિયા દ્વારા ભાગ લઈ શકાય છે અને આ રમતમાં ૫૦ દિવસની અંદર પોતાની જાતને નુકસાન પહોેંચાડવાના પડકાર સ્વીકાર કરવાનો હોય છે. જેમાં કથિત રૂપે આત્મહત્યાના પગલાંથી આ રમતને જીતવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. આ રમતમાં પોતાની જાતને નુકસાન પહોંચાડવું, અસામાન્ય કલાકો સુધી જાગવા માટે બિહામણા પિક્ચરો જોવા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. મીડિયાના એક અહેવાલ અનુસાર આ રમતે રશિયા અને યુ.કે.માં ૧૦૦થી વધુ બાળકોનો ભોગ લીધો છે.
મેઘવાડી પોલીસ દ્વારા આ સંદર્ભમાં આકસ્મિક મૃત્યુ અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ સગીરની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ૯માં ધોરણમાં અભ્યાસ કરતો આ સગીર અંધેરીના શેર-એ-પંજાબ વિસ્તારમાં રહેતો હતો. તે લગભગ સાંજે ૫ કલાકના સુમારે તેની ઈમારતના ધાબા પર ગયો હતો અને ત્યાંથી તેણે મોતની છલાંગ લગાવી હતી. જેને પગલે ઈમારતની નજીક ઉભેલા એક શખ્સે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. સોમવારે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે પોલીસ દ્વારા આ સગીરના મિત્રોની પૂછપરછ કરવામાં આવશે. પોલીસના ડેપ્યૂટી કમિશ્નર એન.ડી. રેડ્ડીએ કહ્યું કે, અમે પ્રત્યક્ષદર્શીના નિવેદનને નોંધીને આકસ્મિક મૃત્યુ અંગેનો કેસ દાખલ કર્યો છે.