અંકલેશ્વર,તા.૧૬
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, સુફીસંત ફૈઝ એકેડમી સ્કૂલ અને ન્યુ રેઇઝ સ્કૂલ, કલા ખાતે મોટીવેશનલ સ્પીકર દ્વારા કૌશલ્યવર્ધક તાલીમ શીબીરનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કલા ગામે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુફીસંત ફૈઝ એકેડમી સ્કૂલ તેમજ ન્યુ રેઇઝ સ્કૂલ, કલા ખાતે મોટિવેશનલ સેમિનારનું ભવ્ય આયોજન સંસ્થાના ફાઉન્ડર અલ્લામા અલ્હાજ સૈયદ મુશ્તાકઅલી બાવાસાહેબનાં સાનિધ્યમાં અને શાળાનાં મેનેજિંગ ડિરેકટર સૈયદ વાહિદઅલી બાવાસાહેબની પ્રેરણા હેઠળ હૈદરાબાદના મોટિવેશનલ સ્પીકર મુનવ્વર ઝમાના વર્કશોપનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે સેશન હતા (૧) વિદ્યાર્થીઓ માટે, (૨) શિક્ષકો માટે.
વિદ્યાર્થીઓનાં સેશનમાં મુનવ્વર ઝમાના મત મુજબ અલ્લાહ તઆલાએ ઇન્સાનને અશરફુલ મખ્લુકાત (સર્વશ્રેષ્ઠ પ્રજાતિ)ના લકબ સાથે દુનિયામાં મોકલેલ છે. તેમણે આજનાં સ્પર્ધાત્મક યુગમાં સમ્માન સભર ટકી રહેવા માટે ગુણવત્તાયુકત શિક્ષણની સાથે સાથે નૈતિક મુલ્યો તેમજ વ્યકિતત્વનાં ઘડતર અને અંગે્રજી ભાષાની મહત્વતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. બાળકોએ શિક્ષણ દ્વારા ફકત સર્ટિફિકેટ મેળવવા કરતા મુલ્ય શિક્ષણ દ્વારા આત્મવિશ્વાસ, વાતચીતની કુશળતા, હિંમત, સર્જનાત્મકતા, સહાનુભૂતિ, નિયમિતતા અને યોગદાન જેવા કૌશલ્યોને જીવનમાં ઉતારવા પર ભાર મૂકયો હતો. તેમણે પૈગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનાં ઉદાહરણ આપી બાળકોને સમજાવ્યુ હતું કે દરેક કામની શરૂઆતમાં ખુબ મૂશ્કેલી પડે છે પરંતુ પછીથી આપણી મહેનત આપણને સફળતા તરફ લઇ જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાદેશિક ભાષાઓ અમુક વિસ્તાર પુરતી સિમિત છે પરંતુ અંગે્રજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. તેમના કહેવા મુજબ દરેક દેશનું ચલણ અલગ-અલગ છે પરંતુ આખા વિશ્વનું ચલણ આઇડિયા છે. જેની પાસે સારા વિચારો છે. તેને લોકો સલામ કરે છે. વેલ્ફેર ટ્રસ્ટનાં પે્રસિડેન્ટ સલીમ ફાંસીવાલાએ પણ તેમનાં વકતવ્યમાં જણાવ્યું હતું કે આપણા બુર્ઝુગોએ જે ઇલ્મ શીખવ્યું અને માનવતાનાં જે હલાલ અને હરામનાં પાઠ શીખવ્યા તે આજનાં આ કહેવાતા મોર્ડન જમાનાંમાં પણ એટલા જ સાચા છે. તેમણે કહ્યું હતુું કે આપણા ઘરની બાજુમાં રહેતા જ આપણા પડોશી ના કહેવાય પરંતુ ચાળીસ (૪૦) ઘર સુધી રહેતા તમામ આપણા પડોશી કહેવાય એમ જણાવી માનવતાનો દર્શ આપ્યો હતો.
શિક્ષકોનાં સેશનમાંમુનવ્વર ઝમા એ સ્કૂલ મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનાં માતા-પિતાને શાળારૂપી વાહનના ચાર ચક્રો તરીકે દર્શાવી શાળાને સફળતાપૂર્વક ચલાવવા માટે આ તમામ ઘટકોને કટિબદ્વતા સાથે સુમેળ સાધવો ખુબ જ જરૂરી છે. તેમનાં મત મુજબ શિક્ષકે વિદ્યાર્થીઓને એન્જિનીયર, ડોકટર આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનાવવાની સાથે સાથે એક સાચો ઇન્સાન બનાવવાની પણ ખુબ જરૂર છે. તેમણે કહ્યું હતું કે શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. સોફટવેરની જેમ શિક્ષકે પણ હંમેશાં અપગ્રેડ રહેવુ જોઇએ. આપણા આઝાદ દેશનાં પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે દરેક શિક્ષકે પોતાના ઘરે પોતાની આગવી લાઇબ્રેરી બનાવી તેમા નવા નવા પુસ્તકો વસાવવા જ જોઇએ. શિક્ષકોમાં ગ્રુપીઝમ ન હોવું જોઇએએમ સમજાવી તેમણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
કાર્યક્રમમાં મુનવ્વર ઝમા સાહેબનું સાલ અને સ્મૃતિ ચિહ્‌ન આપી અંતમા સૈયદ મુશ્તાકઅલી બાવાસાહેબે બાળકો, શિક્ષકો, સમાજ તેમજ દેશ માટે દુઆ કરી હતી. શિક્ષકોમાં જૂથવાદ હોવો ન જોઈએ તે માટે તેઓએ શિક્ષકોને પણ અનુરોધ કર્યો હતો.
આ ભવ્ય સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીગણ, શિક્ષકગણ, વાલીગણ, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ યુનુસભાઇ અમદાવાદી, ખજાનચી રફીકભાઇ, સેક્રેટરી બશીરભાઇ, મોઇનભાઇ, યુનુસભાઇ, ફૈઝ યંગ સર્કલનાં તમામ હોદ્દેદારો, ભરૂચ મુન્શી સ્કૂલના ટ્રસ્ટી સલીમભાઇ અમદાવાદી, દિલાવરભાઇ બચ્ચા, અંકલેશ્વર ઝૈનિથ સ્કૂલનાં આચાર્ય ઇકબાલભાઇ પટેલ, મજીદભાઇ અંભેરવાલા, વાગરાનાં સબરજિસ્ટ્રાર્ડ ફારૂકભાઇ વોરાસમનીવાલા, યુસુફભાઇ જેટ, ઇબ્રાહિમભાઇ બાજી, ઇદરીસભાઇ સરનારવાલા, મહંમદભાઇ લાલા, જહાંગીર પટેલ, નાસીરભાઇ પટેલ તેમજ નામી અનામી અન્ય મહેમાનો, સુફીએ મિલ્લત અરેબિયા એકેડમીનાં સદર મુદર્રિસ, સ્ટાફગણ તથા તલબાઓ તથા ભરૂચ જિલ્લાના નિવૃત આચાર્યો, શિક્ષકો હાજર રહી સેમિનારને સફળ બનાવ્યો હતો.