ખાનગી શાળાના સંચાલકોએ ધરાર ન પાડતા

અમદાવાદ, તા.૧૦

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વકરી રહેલા મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગના કેસોની વચ્ચે કોર્પોરેશનના હેલ્થ ઓફિસરે રોગ નિયંત્રણ માટે શાળાના બાળકોની મદદ લેવા લખેલા પત્રને લઈને ભારે વિવાદ સર્જાવા પામ્યો છે અનેક શાળા સંચાલકોએ તેમની શાળાના બાળકોના આરોગ્યને ખતરામા મુકવાનો સ્પષ્ટ ઈન્કાર  કરી દીધો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન-ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડા. ભાવિન સોલંકીએ શહેરની ખાનગી અને સરકારી શાળાઓના આચાર્યોને એક પત્ર લખ્યો છે. સાથે એક પત્રક પણ મોકલ્યું છે. આચાર્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે, તેમની શાળામાં ભણતા બાળકોની પાસે મચ્છરોના ઉદ્દભવ સ્થાનો શોધવા માટેની કાર્યવાહી કરાવવી ઉપરાંત તેમને મોકલવામાં આવેલા પત્રકમાં વિગતો ભરાવી કોર્પોરેશનને પરત મોકલવી. આરોગ્ય અધિકારીએ મોકલેલા પત્રકમાં શાળાના બાળકોએ મચ્છરોના ઉદ્દભવ સ્થાન કયાં  જોયા ? પાણીની ટાંકીમાં ટાયરમાં એસીમાં કુલરમાં વગેરે જેવી વિગતોની ચકાસણી કરી મોકલવાની થાય છે. ભાવિન સોલંકીના આ પત્ર અને પત્રક બંનેનો શહેરની અનેક શાળાઓના આચાર્યો તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, અમારી શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા આવે છે તેમને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળી અને તેમના આરોગ્ય ઉપર કોઈ પ્રકારનો ભય કે ખતરો ઉભો થવા દેવા માંગતા નથી. બીજી તરફ મ્યુનિસિપલ સ્કુલબોર્ડ સંચાલિત શહેરની મ્યુનિ. શાળાઓના બાળકો પાસે આ કામગીરી કરાવાશે એમ શાસનાધિકારી લગધીર દેસાઈનું કહેવું છે.