અમદાવાદ, તા.૨૪
વર્ષ ૨૦૧૭માં અમદાવાદ શહેરના રસ્તાઓ તૂટવાના અને બિસ્માર બનવાના ચકચારભર્યા કેસમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરતાં ૨૩ ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ ફટકારી છે. જેને પગલે અમ્યુકો વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પહેલા ૭૦થી વધુ રોડ તૂટવાની બેદરકારી અંગે વિજિલન્સ તપાસ કરી દોષિત સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. તેમ જ તે સમયે(૨૦૧૭) એડિશનલ ઈજનેર તરીકેનો ચાર્જ સંભાળનારા ડેપ્યુટી ઈજનેર અધિકારી પી.એ.પટેલને પણ દંડ કરવામાં આવ્યો છે. એડીશનલ સિટી ઈજનેર અધિકારીઓને રૂ.૧.૮૦ લાખથી રૂ.૨.૨૫ લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે. જે ઉચ્ચ અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે તેમાં વર્તમાન સિટી ઈજનેર નરેન્દ્ર કે. મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેષ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનરે જ નરેન્દ્ર કે. મોદીને સિટી ઈજનેર પદે પ્રમોશન આપ્યું હતું, તેમની સામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું. એડિશનલ સિટી ઈજનેરોમાં નરેન્દ્ર કે. મોદી, હરપાલસિંહ ઝાલા જ્યારે ડેપ્યુટી સિટી ઈજનેરોમાં મનોજ એલ.સોલંકી, પરેશ ડી.પટેલ, પ્રણવ શાહ અને સંજય સુથારનો સમાવેશ થાય છે. તેમજ આસીસ્ટન્ટ સિટી ઈજનેરોમાં હિરેન બારોટ, અમિત એન.પટેલ, મહેશ પી.પટેલ, મનોજ મજમુદાર, મીનેષ ડી.શાહ, મેહુલ એસ.ખરાડી તથા પ્રકાશ વિંઝુડાના નામો સામેલ છે. આ સિવાય આસીસ્ટન્ટ ઈજેનરોમાં કૃણાલ ગજ્જર, સુભાષ પટેલ, ભરત વાઘડીયા, દિપ્તેશ ચૌહાણ, હિમાંશુ પંડ્‌યા, પરીમલ પટેલ, પ્રજ્ઞેશ પંચાલ, રોહન મિસ્ત્રી અને સુરેશ દત્તનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનરે નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના તત્કાલીન ઈજનેર અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જ્યારે અન્ય ઝોનના એડીશનલ અને ડેપ્યુટી કક્ષાના અધિકારીઓને પેનલ્ટી કરીને મુક્ત કરવામાં આવ્યા છે. આમ અમ્યુકોના બહુચર્ચિત રોડ કૌભાંડની તપાસના અંતે મોડે મોડે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતાં અમ્યુકો વર્તુળમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કસૂરવાર સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામાં આવી છે. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાના પ્રથમ ભાગમાં વોર્ડ લેવલના અધિકારીઓને રૂ.૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. સજાના બીજા ભાગમાં દોષિત અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં ૨૩ અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે. તેમની તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂંક કરવામાં આવશે.

ચાર્જશીટના મુદ્દાઓ….

• ટેન્ડરની શરતો મુજબ ટેકનીકલ અને જનરલ સ્પેસિફિકેશનનનો અમલ ન કરવો
• મોટા પાયે નાણાંકીય નુકસાન સામે આવ્યું
• યોગ્ય ફોર્મેટમાં રજીસ્ટરની જાળવણી કરવામાં અનિયમિતતા
• એક જ મટિરિયલનો એક કરતા વધુ સ્થળે વપરાશ કરવો અને બીલોમાં ગંભીર ગેરરીતિ
• સુપરવીઝનનો બિલકુલ અને ગંભીર અભાવ
• પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ પણ કરાયુ ન હતુ