(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
શહેરના તાંદલજા વિસ્તારનાં સહકારનગરના ૧૪૦૦ જેટલા મકાનોને તોડ્યા બાદ રહિશોને હજુ સુધી મકાનો નહીં બાંધી આપતા બેઘર બનેલ રહિશો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવી જિલ્લા કલેક્ટરને તેમજ મ્યુનિ. કમિશનરને મકાન આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. સહકારનગરના રહિશો પુઠાના પ્રતિકાત્મક મકાન અને ચાવી કલેક્ટર અને કમિશનરને આપી બેઘર લોકોને મકાન આપવાનું યાદ અપાવ્યું હતું.
તાંદલજા વિસ્તારનાં સહકારનગરમાં આવેલ ૧૪૦૦ જેટલા પાકા મકાન અને દુકાનોને સ્માર્ટ સિટીના નામે ૧૮ માસ અગાઉ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. તત્કાલિન મ્યુનિ. કમિશનર વિનોદ રાવે રહિશોને વહેલી તકે મકાનો બનાવવાની બાંહેધરી આપી હતી. તેમની ઉપર વિશ્વાસ રાખી સહકારનગરના રહિશોએ દબાણ શાખાની ટીમને સહકાર આપી મકાનો તોડ્યા હતા. સેવાસદન દ્વારા દર માસે ભાડા પેટે ૨૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ૧૮ માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં સહકારનગરની જમીન ઉપર એક ઇંટ પણ મૂકવામાં આવી નથી. જેથી બેઘર બની ગયેલા લોકોમાં વહીવટી તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. સહકારનગરના ઇન સી ટુ સ્લમ રિહેબિલીએશન હેઠળ મકાનો ન મળતાં બેઘર બનેલ રહીશો દ્વારા સહકારનગર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આજે પુઠાના પ્રતિકાત્મક મકાન અને ચાવી સાથે તાંદલજાથી અકોટા, દાંડિયાબજાર બ્રિજ થઇ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર તથા સાથે લાવવામાં આવેલ પ્રતિકાત્મક મકાન અને ચાવી આપી પોતાને મકાન આપવાનું ભૂલી ગયા હોવા અંગેની યાદ અપાવી હતી. સંઘર્ષ સમિતિના અગ્રણી સાકીર સૈયદ, ઐયુબઅલી (દાઢી), રીયાઝબાપુ, સોહાનાબાનુ સૈયદ, મોહસીન પઠાણ, ઇસ્માઇલભાઇ મૌલા, અસ્ફાક મલેક વગેરેએ આપેલ આવેદનપત્રમાં વહેલી તકે મકાન આપવાની માગણી કરવામાં આવી છે.
સહકારનગર સંઘર્ષ સમિતિના અગ્રણીના રહીશ સોહાનાબાનુ સૈયદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા દરેકને મકાન આપવાના વચનો આપ્યા છે. પરંતુ અમોને અમારા ઘર તોડીને અમોને બેઘર બનાવી દીધા છે. અમે ભાડાના રૂપિયા ૭ હજાર ચૂકવ્યે છે જેની સામે સેવાસદન દ્વારા ફકત રૂા.૨૦૦૦ જ ભાડું આપવામાં આવે છે. બેઘર બનેલા રહિશોની જીવવું ભારે થઇ ગયું છે. મકાન આપવાનું ભૂલી ગયા હોઇ જેથી અમો પ્રતિકાત્મક મકાન અને ચાવી લઇને આવ્યા છે. જ્યારે ઐયુબઅલી દાઢીએ જણાવ્યું હતું કે, જ્યારે મકાનોનાં દબાણો દૂર કરવાનાં હતા તે વખતે અધિકારીઓ દ્વારા અમારી સાથે મીઠી-મીઠી વાતો કરવામાં આવી હતી પરંતુ હવે ઘટના સ્થળે કોઇ જોવા પણ આવતું નથી કે અમો કેવી રીતે જીવી રહ્યાં છે. અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે, સેવાસદનનાં અધિકારીઓ દ્વારા ૧૪૦૦ જેટલા મકાનો દૂર કરીને કિંમતી કરોડોની જમીન ખાલી કરવા પાછળ કૌભાંડ થયું હોવાની શંકા સેવી હતી.